અમદાવાદઃ ‘જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહ ને શહર બસાયા.’ અમદાવાદની સ્થાપના સાથેની આ વાત પાઠ્યપુસ્તકોમાંય છપાઈ ચૂકી છે. કર્ણાવતી, અહમદાબાદ, અમદાવાદ અને આશાવલ જેવાં નામોથી ઓળખાતું ગુજરાતની મધ્યનું અને તમામ ક્ષેત્રે ધમધમતું અમદાવાદ શહેર આજે 613 વર્ષ જેટલો જૂનો ઈતિહાસ ધરાવે છે.
નદીની રેતમાં રમતું એ,
રિવરફ્રન્ટની પાળી ઉપર બેસતું
થઈ ગયું.
લાલ બસ અને રિક્ષામાં ફરતું શહેર…
મેટ્રોમાં દોડતું થઈ ગયું ,
અડધી ચા અને ચવાણામાં ધરાતું એ …
રાતદિવસ એસ.જી. હાઈવે, સિંધુભવન પર બેસતું થઈ ગયું.
કોઈ શહેરનો બર્થડે કેવી રીતે હોય? એમ ઘણા લોકોના મનમાં વિચાર આવે.. પણ 26 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરનો હેપી બર્થડે ઊજવવામાં આવી રહ્યો છે.
હિંદુ,જૈન, મુસ્લિમ સ્થાપત્યોથી ભરપૂર જૂનું અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. બીજી તરફ પૂર્વ અને પશ્ચિમમાં ગગનચુંબી ઇમારતો, બીઆરટીએસ,મેટ્રો, રિવરફ્રન્ટ જેવી અનેક સુવિધાઓ સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પહેલાં 132 ફૂટ રિંગ રોડ, એસ.જી.હાઈવે અને હવે 200 ફૂટ રિંગ રોડ સુધી પહોંચેલા અમદાવાદની અંદર મોટી સંખ્યામાં નાનાં-મોટાં ગામડાંઓ ભળી ગયાં છે.
છસ્સો વર્ષ કરતાંય વધારે વર્ષથી તડકાછાંયડા જોઈ ચૂકેલા શહેરના જન્મદિવસ નિમિત્તે શહેરમાં અનેક જગ્યાએ કાર્યક્રમો યોજાયા છે. એલિસબ્રિજને અડીને આવેલા ઐતિહાસિક માણેકબુરજને સજાવવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટી , એલ.ડી.ની દિવાલ પર હેરિટેજ સિટીનાં ચિત્રો દોરવામાં આવ્યાં. જ્યારે જમાલપુરથી ઊંટગાડા, બળદગાડા , ડીજે, પ્લે કાર્ડ સાથે વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેપ્પી બર્થડે અમદાવાદ રેલીના આયોજકો ચિત્રલેખા.કોમને કહે છે અમે ત્રણ વર્ષથી ઉત્સાહપૂર્વક રેલીનું આયોજન કરીએ છીએ. જમાલપુર દરવાજાથી માણેકચોક સુધી આ રેલી લઈ જવામાં આવે છે, જેમાં ઐતિહાસિક અમદાવાદની ઝાંખી જોવા મળે છે. આ સાથે કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે.
ગુજરાત રાજ્યમાં સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ ઐતિહાસિક છે. એક સમયે ધમધમતી મિલોને કારણે માન્ચેસ્ટર કહેવાતું. હવે શૈક્ષણિક સંસ્થાઓ, કારખાના, હોટેલ રેસ્ટોરાં, આરોગ્યની સુવિધાઓ વેપારથી ધમધમી રહ્યું છે. સ્વચ્છતા, સુવિધાઓ સાથે સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)