ગુજરાતની ધરા સતત બીજા દિવસે ધ્રુજી, વલસાડમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

વલસાડ: ગુજરાતમાં પાછલા ઘણા સમયથી ભૂંકપની ઘટનામા પણ ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકાનો અનુભવ થયો હતો. વલસાડમાં પહેલી માર્ચના ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 2.6ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં હતું, જ્યાં લોકો સવારે ભૂકંપના આંચકાથી જાગી ગયા હતા. દરવાજા, પંખા, અને વિજળીના થાંભલા હલવા લાગતા અનેક લોકોએ ભયના કારણે ખુલ્લા મેદાનમાં આશરો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે 28મી ફેબ્રુઆરી ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી હતી. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.