ગાંધીનગર-ગુજરાતના લાંબા દરિયાકિનારા પરના બેટ વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણરુપ બને તે માટેના કાર્યોનો પાયો નંખાઈ રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રથમ બેઠકમાં રાજ્યના પ૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ર૩ આઇલેન્ડ-બેટનો પ્રથમ તબક્કામાં પ્રવાસન ધામ સહિત હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને ૧૪૪ જેટલા આઇલેન્ડ-બેટ ધરાવતું દેશનું અગ્રણી રાજ્ય છે ત્યારે ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત આ આઇલેન્ડના સર્વગ્રાહી વિકાસ માટેની વિશદ ચર્ચા-વિચારણા આ પ્રથમ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. જે 23 આઇલેન્ડમાં પ્રવાસન, પર્યાવરણીય સુરક્ષા, મત્સ્યોદ્યોગ, ખેતીવાડી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓનો વિકાસ થવાનો છે તેમાં સ્થાનિક રોજગારી અને સ્થાનિક વસાહતી-નાગરિકોની જરૂરિયાતો ધ્યાને રાખવાનું નક્કી કરાયું હતું.
આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, વન-પર્યાવરણપ્રધાન ગણપતસિંહ વસાવા, પ્રવાસનપ્રધાન જવાહર ચાવડા તેમ જ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ર૩ બેટ-આઇલેન્ડમાં વિગતવાર સર્વે હાથ ધરીને પ્રવાસન વિકાસ સાથે પર્યાવરણીય જાળવણી માટે વન પર્યાવરણ, બંદર વ્યવહાર, ઊર્જા અને મત્સ્યોદ્યોગ તથા માર્ગ મકાન વિભાગ સાથે મળીને કયા કયા પ્રોજેકટ હાથ ધરી શકાય તેના ક્ષેત્રોની ઓળખ નક્કી કરાશે. આઇલેન્ડ ડેવલપમેન્ટ સાથોસાથ દરિયાઇ સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બેટ પર સમુદ્રી સુરક્ષા –કોસ્ટલ સિકયુરિટી સુદ્રઢ બનાવવા ગૃહવિભાગ ફોકસ કરે તે અંગે પણ મંત્રણા થઈ હતી.
રાજ્યના આ બેટના પ્રવાસન વિકાસ માટે ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના હેઠળ ફંડ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઇ હતી.મુખ્ય સચિવ જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, નાણાં, ગૃહ, વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવોઓ તેમ જ ઊદ્યોગ, પ્રવાસન, બંદરો-વાહન વ્યવહારના અગ્ર સચિવો અને મેરીટાઇમ બોર્ડના CEO, મત્સ્યોદ્યોગ સચિવ તથા જી.આઇ.ડી.બી.ના CEO એ પણ બેઠકની ચર્ચાઓમાં ભાગ લીધો હતો.
જણાવીએ કે આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના ગૃહવિભાગે તાજેતરમાં કરેલી છે. આ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે મુખ્યપ્રધાન તેમ જ સભ્યો તરીકે નાયબ મુખ્યપ્રધાન પ્રવાસન, વન-પર્યાવરણપ્રધાન, ગૃહ રાજયપ્રધાન, સહિત ૧૪ સભ્યોનો સમાવેશ થાય છે.
તસવીરોનો ઉપયોગ પ્રતીકાત્મક છે.