સુરત – ગુજરાતના જાણીતાં લેખિકા, વિવેચક, નિબંધકાર, સાહિત્યકાર ડો. શરીફા વીજળીવાળાને ગુજરાતી ભાષા માટેના સાહિત્ય અકાદમી પુરસ્કાર-2018 માટે પસંદ કરવામાં આવ્યાં છે.
પ્રો. શરીફા વીજળીવાળાને એમણે ભારત-પાકિસ્તાનનાં ભાગલા અંગે લખેલાં પુસ્તક માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.
‘વિભાજનની વ્યથા’ પુસ્તક માટે શરીફા વીજળીવાળાને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવ્યાં છે.
ડો. વીજળીવાળાએ ‘વિભાજનની વ્યથા’ પુસ્તક 2014માં લખ્યું હતું.
ડો. શરીફા વીજળીવાળા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષા છે.
સાહિત્ય અકાદમી એવોર્ડ એક તક્તી, એક શાલ અને એક લાખ રૂપિયાનાં ચેક ઈનામનાં સ્વરૂપે આપવામાં આવે છે.
એવોર્ડ એનાયત કાર્યક્રમ 2019ની 29 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજવામાં આવશે. સાહિત્ય અકાદમી એવોર્ડ ભારતની 24 ભાષાઓમાં આપવામાં આવે છે.
ડો. વીજળીવાળા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ એમનાં પાંચ પુસ્તક માટે પાંચ વખત એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યાં છે, જે એક વિક્રમ છે.
2017માં, શરીફાબહેનને રામકથાકાર પૂજ્ય મોરારિબાપુના હસ્તે સદ્દભાવના એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.