અમદાવાદ– લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયાં છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપ જીતી ગયો છે. તેની સામે કોંગ્રેસના 2014ની જેમ જ સૂપડાં સાફ થઈ ગયા છે. જનતાએ કોંગ્રેસના વાર્ષિક 72,000 રૂપિયા જતાં કર્યા છે, અને ખેડૂતોને દેવા માફીનું પ્રલોભન પણ મતદારોને રીઝવી શક્યું નથી. તેના પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે મતદાર પરિપકવ થયો છે. સાચાંખોટાની તેને ખબર પડી ગઈ છે, તે કોંગ્રેસ હોય કે ભાજપ… પણ આજે દેશમાં નમો નમો છે… અને નાજૂકનમણું કમળ ગુજરાતમાં સ્ટીમરોલરની જેમ ફરીવાર ફરી વળ્યું છે. શરુઆતના બે કલાકમાં જ વલણોમાં જ કોંગ્રેસ શૂન્ય પર આવી પછી તે પછી તેને ભોં ભારે જ પડી. જીપીસીસી દફતરમાં પણ આ સાથે સ્મશાનવત સન્નાટો છવાઈ ગયો હતો.
કોંગ્રેસ માટે આશા હતી આ બેઠકો
ગુજરાતની લોકસભાની કુલ 26 બેઠકોમાંથી 4 બેઠકો એવી હતી કે જેમાં પરિણામ ભાજપની વિરુદ્ધ આવે તેની શકયતાઓ હતી. ભલભલા રાજકીય પંડિતોએ પણ આ 4 બેઠકો કોંગ્રેસ જીતશે, એવું છાતી ઠોકીને કહેલું. પણ રાજકીય સ્થિતિ અને મતદારનું મન કળવું ખરે જ બહુ અઘરું છે. કોંગ્રેસે ટિકીટની ફાળવણી વખતે પણ ખૂબ કાળજી રાખી હતી.અસંતુષ્ટોની પરવા કર્યા વિના ફૂકીફૂંકીને પગલું ભર્યું હતું એટલે કોંગ્રેસનો દાવો હતો કે 26માંથી 10 બેઠક તો કોંગ્રેસ 100 ટકા જીતશે. આ દાવો આજની તારીખે સાવ પોકળ જ સાબિત થયો છે.એટલું જ નહીં, હારની સંભાવના પણ ન કળી શકાય તેવી 4 બેઠક પર પણ કોંગ્રેસ મોદીસુનામીમાં દૂરદૂર તણાઈ ગઈ છે.
પરેશ ધાનાણીની હાર પ્રદેશ કોંગ્રેસ માટે મોટો આંચકો
પહેલી બેઠક હતી અમરેલી, કે જ્યાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી જંગેમેદાનમાં હતાં, અમરેલી એ ધાનાણીનો ગઢ ગણાય. ધાનાણીએ ખૂબ પ્લાનિંગ સાથે પ્રચાર કર્યો હતો. ડાઉન ટુ અર્થ થવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મતદારોને કળી શક્યાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલીમાં જાહેરસભા કરી હતી અને મોદીએ અમરેલીના ઈતિહાસને વાગોળીને ખૂબ જાણીતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને યાદ કર્યા હતા, જલારામબાપાના ગુરુ ભોજલરામ બાપાની ધરતીને નમન કર્યાં હતાં. અને અમરેલીની જનતા સાથે ઘરોબો કેળવીને ભાજપ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો. ધાનાણી સામે ભાજપના નારણ કાછડિયા બે લાખથી વધુ મતથી જીત્યાં છે. ધાનાણીનો ગઢમાં ગાબડું પડી ગયું છે.
નવાસવા મીતેશ પટેલ સામે મોળાં પડ્યાં ભરતસિંહ સોલંકી
બીજી બેઠક હતી આણંદ. આણંદ બેઠક પર કોંગ્રેસમાંથી પૂર્વ કેન્દ્રીય નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દીકરા ભરતસિંહ સોલંકી ચૂંટણી લડ્યાં હતાં. તેમની સામે ભાજપે મીતેશભાઈ પટેલ(બકાભાઈ)ને ટિકીટ આપી હતી. મીતેશભાઈ પહેલી જ વાર ચૂંટણી લડ્યાં છે.. મીતેશભાઈનું નામ જાહેર થયું ત્યારે સ્થાનિક ભાજપના કેટલાક નેતાઓમાં અસંતોષ હતો. ત્યારે એમ લાગતું હતું કે ભરતસિંહની જીત આસાન થઈ ગઈ છે. અને વિધાનસભામાં પણ આણંદ બેઠક પર કોંગ્રેસનો પંજો જીત્યો હતો. પણ આણંદ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા કરી હતી. ચરોતરની જનતાનો ઝોક બદલાઈ ગયો છે. ભરતસિંહની કારમી હાર થઈ છે. અને રાજકીય પંડિતો ખોટા પડ્યાં છે. ભરતસિંહ સામે બકાભાઈ 1.97 લાખથી વધુ મતથી જીત્યાં છે.
કોંગ્રેસના શેરખાન મીંદડી બની ગયાં
કોંગ્રેસ માટે મોટી આશાસ્પદ ત્રીજી બેઠક હતી ભરુચ. ભરૂચમાં ત્રિપાંખિયો જંગ હતો. કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલનો ગઢ છે. ત્યાં કોંગ્રેસે છોટુ વસાવા સાથે ગઠબંધન ન કર્યું, અને શેરખાનને ટિકીટ આપી. છોટુ વસાવા પોતાની પાર્ટી ભારતીય ટ્રાઈબલ પક્ષ હેઠળ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જ્યારે ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી. પણ મતદારોએ ત્રણની લડાઈમાં ભાજપના કમળને પસંદ કર્યું છે, અને અંતે ભાજપના મનસુખ વસાવા 3.32 લાખથી વધુ મતથી જીત થઈ છે. અહેમદ પટેલનો ગઢ તૂટી પડ્યો છે.
જૂના જોગી સોમાભાઈ પણ ગયાં…
ચોથી બેઠક હતી સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે સોમાભાઈ ગાંડાભાઈને ટિકીટ આપી હતી. તેની સામે ભાજપે નવા જ ઉમેદવાર ડૉ. મહેન્દ્ર મુંજપુરા પર પસંદગી ઉતારી હતી. મુંજપુરાની છાપ સુરેન્દ્રનગરમાં એક સેવાભાવી ડૉકટર તરીકેની છે. સોમા ગાંડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એક અંઠગ રાજકારણી તરીકેની છાપ ધરાવે છે. એવા સોમા ગાંડા સુરેન્દ્રનગર બેઠક પરથી હાર્યા છે. સોમા ગાંડા સામે ડૉ. મહેન્દ્ર મુંજપુરાની 2.55 લાખથી વધુ મતથી જીત થઈ છે.પ્રદેશ કોંગ્રેસ જનાદેશને માથે ચડાવે છે તેવી પ્રતિક્રિયા પ્રમુખ અમિત ચાવડાએ પરિણામો સ્પષ્ટ થયાં બાદ આપી હતી ત્યારે હવે આત્મમંથન, જાતમંથન કરીને ક્યાં કાચું કપાયું તે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ નક્કી કરશે આગામી સમયમાં ફરી આવનારી પેટાચૂંટણીઓ માટે આશાવાદી બની રહેશે.
અહેવાલઃ પારુલ રાવલ