ગાંધીનગર– તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે વ્યક્તિનું આરોગ્ય શારીરિક અને મનથી તંદુરસ્ત હોવું અત્યંત અનિવાર્ય છે. ત્યારે પ્રવર્તમાન યુગમાં નાગરિકો-યુવાનોમાં તમાકુનું વ્યસન દૂર થાય તે માટે સરકાર અને સમાજ દ્વારા હજુ વધુ સઘન પ્રયત્નોની જરુર સામે આવી છે.ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે GATS-2 ૨૦૧૬-૧૭ ના તારણ પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં દસ વર્ષમાં તમાકુના વપરાશમાં 2.4 ટકા ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૦૯-૧૦માં કરવામાં આવેલ GATS-1 ના સર્વેમાં ૨૯.૪ ટકાનો આંકડો હતો જે તાજા સર્વેમાં ઘટીને ૨૫.૧ ટકા થયેલ છે. ધૂમ્રપાનનું પ્રમાણ ૨૧.૬ થી ઘટીને ૧૯.૨ ટકા થયેલ છે. જેમાં ર.૪ ટકાનો ઘટાડો થયેલ છે. જે પૈકી ૧૨.૮ ટકા પુખ્ત લોકો ગુટખાનું સેવન કરે છે, જ્યારે ૬.૪ ટકા બીડીનું સેવન કરે છે. જોકે ઘટાડા સાથે આવેલો આંકડો પણ ચિંતાજનક જ છે.વર્કશોપને સંબોધતાં આરોગ્યપ્રધાન કિશોર કાનાણીએ કહ્યું કે, રાજ્યમાં તમાકુનો ઉપયોગ ઘટે તે માટે અસરકારક પગલાં લેવાયાં છે જેના પરિણામે આજે રાજ્યમાં તમાકું વપરાશમાં ઘટાડો થયો છે. ગુટખા પર પ્રતિબંધ મૂકાયો છે અને કાયદાકીય પગલાં પણ લેવાઇ રહ્યાં છે ત્યારે શિક્ષકો પણ યુવાનો-વિદ્યાર્થીઓને આ અંગે શિક્ષણ દ્વારા શીખવે કે ધ્રૂમપાન નુકસાનકારક છે. ખેડૂતોને પણ તમાકુના પાકની જગ્યાએ અન્ય પાકનું વાવેતર કરી સામાજિક જવાબદારી દાખવવા અપીલ કરી હતી.
ગુજરાતમાં ૧,૩૪૬ પુરુષ-૧,૩૮૫ સ્ત્રીના ઇન્ટરવ્યૂ
ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે GATS-2 જે તમાકુના અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી પદ્ધતિનો સર્વે છે. જેમાં ૧૫ વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓમાં ૩૦ રાજ્યો અને ૨ યુનિયન ટેરીટરીમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા WHO, CDC અને Tata Institute of Social Science ના ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેમાં આખા ભારતમાંથી કુલ ૭૪,૦૩૭ વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં ઓગસ્ટ-૨૦૧૬ થી ફેબ્રુઆરી-૨૦૧૭ દરમિયાન કુલ ૧,૩૪૬ પુરૂષો અને ૧,૩૮૫ સ્ત્રીઓના ઇન્ટરવ્યુ કરાયા હતાં
18 વર્ષ 6 માસની વયમાં ધૂમ્રપાન શરુ કરતાં યુવાનો
GATS-2 મુજબ ૧૫ થી ૧૭ વર્ષની વયજુથના વ્યક્તિઓમાં તમાકુના વપરાશમાં ઘટાડો જોવામાં આવ્યો છે. તે મુજબ GATS-1માં જે ૬ ટકા હતો તે GATS-2માં ઘટીને ૩.૫ ટકા જોવા મળ્યો છે. તમાકુના વપરાશના શરૂઆતની ઉંમર સર્વે-૧માં ૧૮.૩ ટકા હતી તે સર્વે-રમાં ૧૮.૬ ટકા જોવા મળી છે. ગુજરાતના યુવાનો આગલા વર્ષોની સરખામણીએ તમાકુ નિયંત્રણના કાયદાના અમલ બાદ હવે મોટી ઉંમરે તમાકુનો વપરાશ શરૂ કરી રહ્યાં છે.GATS-2ના સર્વેના તારણો પ્રમાણે ૪૮ ટકા ધુમ્રપાન કરનારાને ધુમ્રપાન છોડવા માટે જણાવવામાં આવ્યું હતું અને ૩૩.૪ ટકા તમાકુ ચાવનારાઓને આરોગ્ય કર્મચારીઓ દ્વારા તમાકુની આદત છોડવા વિશે સમજણ આપવામાં આવી હતી.
જાહેરમાં ધૂમ્રપાન પ્રતિબંધની અસર
રાજ્યમાં પરોક્ષ ધુમ્રપાનનું પ્રમાણ પણ ઘટ્યું છે. જાહેર સ્થળો પર પરોક્ષ ધૂમ્રપાન ૩૧.૭ થી ઘટીને ૧૯.૯ થયુ છે. જ્યારે ઘરોમાં પરોક્ષ ધુમ્રપાન ૫૭.૮ ટકાથી ઘટીને ૩૭.૯ ટકા થયેલ છે અને નોકરી-ધંધાના સ્થળોએ પરોક્ષ ધૂમ્રપાન ૩૨.૧૮ ટકા ઘટીને ૨૦.૯ ટકા થયું છે.
ગુજરાતમાં ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં તમાકુ પાકનું ઉત્પાદન ૯૦ ટકા છે. તે ઘટાડી ખેડૂતોને અન્ય પાકો તરફ વાળવા જોઇએ. દેશમાં ૫૯ ટકા માણસો તમાકુ અને ધુમ્રપાનના કારણે અને તમાકુના સેવનથી મોંઢા-શ્વાસ નળી ફેફસાંના કેન્સરમાં વધારો થયો છે. આ ઉપરાંત હ્રદયરોગ, દમ અને શ્વસનતંત્રની સમસ્યા સહિત હઠીલા રોગનું પ્રમાણ વધ્યું છે.