ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ ભરતી પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ વર્ગ 1, 2 અને 3 સંવર્ગોની વિવિધ જગ્યાઓ માટે યોજાનારી પરીક્ષાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં ગુજરાત વહીવટી સેવા, નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી, હિસાબી અધિકારી, રાજ્ય વેરા નિરીક્ષક અને મદદનીશ વન સંરક્ષકની ભરતી માટેના પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.

GPSC દ્વારા જાહેર કરાયેલા આ સમયપત્રક અનુસાર, પ્રિલીમ પરીક્ષા એપ્રિલ 2025થી શરૂ થશે, અને મુખ્ય પરીક્ષા માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આ અંગે GPSC અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, “ઉમેદવારોને પૂરતો સમય મળી રહે અને મૂલ્યાંકનમાં વિલંબ ન થાય તે માટે GPSC દ્વારા વાર્ષિક પરીક્ષા સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.”

ઉમેદવારો માટે આ મહત્વની જાહેરાત છે, જેથી તેઓ અગાઉથી પરીક્ષાની તૈયારી કરી શકે અને વિવિધ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે.