અમદાવાદ– ઠાકોર સેનાના વડા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય છે, તેવી જોરદાર અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે. કોંગ્રેસના કેટલાંય ધારાસભ્યો દુઃખી છે, અને 15થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડી દેશે. તમે રાહ જુઓ, સમય આવે ખબર પડશે. કોંગ્રેસમાં કોઈ જ શિસ્ત નથી, જેથી હું નિરાશ હતો.
અલ્પેશ ઠાકોર સમર્થકો સાથે ગઇકાલે નાયબ સીએમ નિતીન પટેલને મળ્યાં હતાં…
અલ્પેશે વધુમાં જણાવ્યું હતું કે આ અમારો નિર્ણય છે, અને મારા મનમાં એ છે કે ગરીબો માટે કામ કરવું, ગરીબોને સહાય કરવી અને આપણાં લોકો માટે સરકારી સહાયથી કામ કરવા માગીએ છે, અલ્પેશ ઠાકોરે આજે પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે અમારા સમાજના લોકો ગરીબ અને પછાત છે. તેમને સરકારની સહાયની જરૂર છે. કોંગ્રેસમાંથી તેમને હું ન્યાય ન અપાવી શક્યો, જેથી હું દુઃખી હતો. માટે મારે વિગ્રહ કરવો પડ્યો છે. જ્યાં તમને આદર ન મળે અને તમારા અધિકારનું રક્ષણ ન થાય ત્યાં રહેવાની કોઈ જરૂર નથી.
અલ્પેશ ઠાકોરે એએનઆઈને આપેલ મુલાકાતમાં આ વાતો કહી હતી. બીજી તરફ ગાંધીનગરમાં પણ રાજકીય હલચલ તેજ થઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યોમાં મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ ઠાકોર અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા આજે ડેપ્યૂટી સીએમ નિતીન પટેલ સાથે મુલાકાત કરી હતી. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તૂટવાની તૈયારીમાં છે. જાણવા મળ્યાં મુજબ ઋત્વિજ મકવાણા કુંવરજી બાવળિયાના કૌટુંબિક સબંધી પણ થાય છે. બાવળીયાએ આ અગાઉ ઋત્વિજને ભાજપમાં જોડાવાની ઓફર કરી હતી.
કોંગ્રેસે નટવરસિંહ ઠાકોરને લોકસભાની ટિકીટ આપી ન હતી, ઈન્દ્રજીતસિંહ ઠાકોર એ નટવરસિંહના પુત્ર છે, અને તે મહુધાના ધારાસભ્ય છે. હવે આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવે છે, તે પહેલાં કોંગ્રેસમાં કેટલું નુકશાન થાય છે, તેના પર રાજકીય આલમમાં ભારે હલચલ જોવા મળશે. આગામી રાજ્યસભા ચૂંટણી પહેલાં બધો ખેલ પડી જાય તેવી પ્રબળ શક્યતાઓ છે.