ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI)ની 472 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન 13 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરતમાં કરવામાં આવ્યું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં યોજાયેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા 1,02,935 ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે. આ પરીક્ષા 340 શાળાઓમાં યોજાશે, જેમાં બે પેપર (દરેક 3 કલાકનું) લેવાશે. ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 13 એપ્રિલ સુધી ચાલુ રહેશે, અને અત્યાર સુધી લગભગ એક લાખ ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે.
પરીક્ષાની પારદર્શિતા અને ગેરરીતિ રોકવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડે વ્યાપક પગલાં લીધાં છે. આ માટે 8,000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ પરીક્ષા સંબંધિત કામગીરી સંભાળશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર એક PI/PSI રેન્કના અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોમાં CCTV કેમેરા દ્વારા લાઇવ નિરીક્ષણ થશે. શારીરિક કસોટી દરમિયાન લેવાયેલા ઉમેદવારોના બાયોમેટ્રિક ડેટા અને ફોટોગ્રાફનું બંને પેપર પહેલાં ચકાસણી કરવામાં આવશે. પરીક્ષા સામગ્રીના વાહનોનું GPS દ્વારા નિરીક્ષણ થશે.
અમદાવાદ, સુરત અને વડોદરામાં આ પરીક્ષા પોલીસ કમિશનરોના સામાન્ય નિરીક્ષણ હેઠળ અને IGP/DIGP કક્ષાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં રચાયેલી પરીક્ષા સમિતિના નેતૃત્વ હેઠળ યોજાશે. ભરતી બોર્ડે પરીક્ષા નિષ્પક્ષ અને ગેરરીતિ વિના યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ગેરરીતિ કરનાર કે તેમાં સહયોગ આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
