અમદાવાદઃ ગુજરાત પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ટ્રાન્સફર વોરન્ટ મારફત ભૂતપૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ કરી છે. 2002ની સાલમાં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોના સંબંધમાં નિર્દોષ વ્યક્તિઓને ખોટી રીતે દોષી ઠેરાવવાના ષડયંત્રના કેસમાં ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.
સંજીવ ભટ્ટ આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રીજા આરોપી છે. અન્ય બે છેઃ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ વડા (ડીજીપી) આર.બી. શ્રીકુમાર. સંજીવ ભટ્ટને 27 વર્ષ જૂના એક કેસના સંબંધમાં 2018ની સાલથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની જેલમાં પૂરવામાં આવ્યા છે. તે કેસમાં તેઓ રાજસ્થાનસ્થિત એક લૉયરને ફસાવવા માટે કેફી દ્રવ્ય મૂકવાના આરોપી છે. એ જ કેસના મુકદ્દા દરમિયાન એમને જામનગરમાં પોલીસ કસ્ટડીમાં થયેલા એક મોતના કેસમાં પણ આરોપી ઠેરવી આજીવન કેદની સજા કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના જણાવ્યા મુજબ, પોલીસે ગઈ કાલે સાંજે ટ્રાન્સફર વોરન્ટ ઉપર પાલનપુર જેલમાંથી સંજીવ ભટ્ટને તાબામાં લીધા હતા અને એમની વિધિસર ધરપકડ કરી હતી.
