નવસારીઃ ગુજરાતના એક ગામમાં ઈસાઈઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવા ગામમાં હિંદુ આદિવાસી સમુદાયના લોકોએ એક બેનર લગાવી દીધું છે કે જેમાં લખ્યું છે કે ધર્માંતરણ કરનારા ઈસાઈ ગામમાં ન ઘૂસે. ગામમાં લગભગ 7,500 લોકો રહે છે અને આમાંથી મોટાભાગના લોકો અનુસૂચિત જનજાતિ હળપતિ સમુદાય સાથે સંબંધ રાખે છે. જ્યારે અન્ય લોકો બક્ષીપંચ સમાજમાંથી છે.
ગામની બહાર લાગેલા એક બેનર પર લખવામાં આવ્યું છે કે ઈસાઈ ધર્મના તમામ ભાઈબહેનો હરિપુરા મહોલ્લામાં પ્રવેશ ન કરે. ગામના ઉપસરપંચ જયંતી મિસ્ત્રીએ કહ્યું કે ગામમાં ઈસાઈ ધર્મના પ્રચાર પ્રસારથી સ્થાનિક હિંદુ લોકો પરેશાન છે. આજની તારીખમાં 900 વધારે ઈસાઈઓ અહીં છે. ગામમાં 70 પરિવારો છે જેમાંથી 12 જેટલા પરિવાર ઈસાઈ બની ચૂક્યાં છે. દર રવિવારે પાડોશી જિલ્લામાંથી ઈસાઈ પાદરી આવે છે ને ઈસાઈ ધર્મનું પ્રવચન આપે છે. આ લોકો અહીંના સ્થાનિકોને ફોસલાવીને ધર્માંતરણ કરાવે છે.
ગામના સરપંચ સતીશ કટારિયા અનુસાર તેમના ત્યાં ધર્માંતરણની પ્રક્રિયા ત્યારે શરુ થઈ જ્યારે ઈસાઈઓ દ્વારા 8 વર્ષ પહેલાં પ્રાર્થનાસ્થળનું નિર્માણ કરવામાં આવ્યું. સરપંચનું કહેવું છે કે પાંચ વર્ષ પહેલાં બીજું પ્રાર્થનાસ્થળ બનાવવામાં આવ્યું. સ્થાનીક હિંદુ આદિવાસીઓ આનાથી અત્યંત નાખુશ છે. જેથી તેમણે પોતાના મહોલ્લામાં બેનર લગાવી દીધું છે. સરપંચે જણાવ્યું કે ધર્માંતરણ કરનારામાં મોટાભાગના ખેતમજૂર છે અને નાનામોટા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવનારા લોકો છે.
સરપંચનું કહેવું છે કે અત્યાર સુધી બેનર વિરુદ્ધ કોઈએ અવાજ ઉઠાવ્યો નથી. પરંતુ ઈસાઈ સમુદાયના લોકો આનાથી નારાજ જરુર છે. અમે લોકોએ ગામના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. વિવાદને વધતો જોઈને ગામમાં પોલીસે પણ સ્થિતિની જાણકારી મેળવી હતી અને ગામના લોકોના નિવેદન પણ લીધાં હતાં. ગામના લોકોએ પોલીસને શાંતિ વ્યવસ્થા કાયમ રાખવામાં પૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે.