અમદાવાદ– કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ કરવાને મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે આજે ચૂકાદો આપતા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની કોંગ્રેસની અરજી ફગાવી હતી. સાથે જ હાઇકોર્ટમાં આ મુદ્દે ત્રણેય પક્ષ વતી રજૂઆતો પણ પૂર્ણ થઈ હતી.
કોંગ્રેસની અલ્પેશને વચગાળા સમય માટે સસ્પેન્ડ કરવાની માગ હાઇકોર્ટે ફગાવી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરી શકે અને ચોમાસા સત્રમાં ભાગ ન લઈ શકે એ માટે કોંગ્રેસ દ્વારા તેને વચગાળાના ધોરણે સસ્પેન્ડ કરવાની હાઇકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. હાઈકોર્ટે તેમના ચૂકાદામાં એમ પણ કહ્યું કે, વિધાનસભાના સ્પીકરના આદેશ પહેલાં નિર્દેશ આપવાની સત્તા હાઇકોર્ટ પાસે નથી.
મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં જણાવ્યું હતું કે સભ્ય પદેથી નહીં પરંતુ હોદ્દેદાર પદેથી રાજીનામુ આપ્યું હોવાનો દાવો કર્યો હતો. સ્પીકર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું જ્યૂડીશિયરીને વિધાનસભા સ્પીકરના
આદેશ પહેલાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાની સત્તા નથી.