ગાંધીનગર- દુનિયામાં ભ્રષ્ટાચાર નિર્મૂલનની માત્ર વાતો થઇ છે પરંતુ, ગુજરાતે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને ભ્રષ્ટાચારમાં ખરેખર ઘટાડો કર્યો છે. આમ જણાવ્યું છે વિધાનસભા ગૃહમાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે. તેનું કારણ જણાવતાં પટેલે કહ્યું કે, ગુજરાતમાં મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ છે પરિણામે લોકોને ઓછી મુશ્કેલી પડે છે એટલે ગુજરાત આખા દેશમાં સર્વશ્રેષ્ઠ છે.
તેમણે કહ્યું કે, દુનિયામાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો થાય છે પરંતુ ગુજરાત સરકારે તો મક્કમ નિર્ધાર કરીને નેસ્ત નાબૂદ કરી દીધો છે. ટૅક્નોલૉજીના માધ્યમ દ્વારા ભ્રષ્ટાચાર ઘટાડયો છે. ટેકનોલોજી થકી લીઝની ૬૦૦થી વધુ ઓક્શન કરીને પારદર્શિતા લાવ્યા છીએ. ખેડૂતોને ૭-૧૨ અને ૮-અના ઉતારા ઓનલાઈન આપ્યા છે અને જમીનની એન.એ. પ્રક્રિયા પણ ઓનલાઇન કરીને નાગરિકના સમયની બચત થઈ છે અને પારદર્શિતા આવી છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી માટે માફી આપવા પણ ઓનલાઇન પદ્ધતિ અમલી કરી છે જે ૨૪કલાકમાં પ્રક્રિયા પૂર્ણ થશે.
રાજ્યમાં સ્વરોજગારીનું પ્રમાણ વધે તે માટે રાજ્ય સરકારે શોપ એકટના કાયદામાં ઐતિહાસિક સુધારો કરવાનો નિર્ણય કર્યો છે અને આવશ્યક ચીજવસ્તુ માટેની નાની મોટી દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહેશે એ માટેનું વિધેયક આ સત્રમાં જ લાવ્યા છીએ. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ભરતીઓ સંપૂર્ણ પારદર્શી બનાવી છે. ભરતી પ્રક્રિયામાં પણ પેપર ફૂટયું તો, તાત્કાલિક પરીક્ષા રદ કરીને નવેસરથી પ્રક્રિયા હાથ ધરીને હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન અને અન્યાય ન થાય તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
નેનોને અપાયેલ સબસિડી અંગે વિપક્ષ દ્વારા કરાતા આક્ષેપોને વખોડતા કહ્યું કે નેનોને 33 હજાર કરોડ નહીં પણ ૧૦૦૦ થી ૧૫૦૦ કરોડની સહાય ગુજરાતે આપી છે. રોજગારી આપવામાં ખાનગી કંપનીઓનો પણ સિંહફાળો છે ત્યારે, રાજ્ય સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતી નવી નીતિઓ અને પ્રોત્સાહનને કારણે સ્થાનિક કક્ષાએ નાના ઉદ્યોગો સ્થાપાતા ગુજરાત ઓટો હબ બન્યું છે. વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપની દ્વારા કરાયેલા એક હજાર કરોડના રોકાણના કારણે અન્ય ઓટોમોબાઈલ કંપની પણ આવી રહી છે. રાજ્ય સરકારની પોર્ટ પોલિસીના કારણે ૩૫ ટકા કાર્ગોનો હિસ્સો ભારતનો છે.
તેમણે કહ્યું કે ટેક્સ્ટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે ટેક્સ્ટાઇલ પોલીસી બનાવી છે અને પ્રોત્સાહનો આપ્યા છે એના પરિણામે ૨૫,૦૦૦ સ્પિંડલ સ્થાપવાનો નિર્ધાર કર્યો હતો.એની સામે રાજ્યમાં ૪૦,૦૦૦ સ્પિંડલ કાર્યરત થયા છે.આઈટીઆઈમાં પણ નવા અભ્યાસક્રમ અમલી કર્યાં છે. અને એપ્રેન્ટીસને તાલીમ આપી છે. ૭૨હજાર યુવાઓને તાલીમબદ્ધ કર્યા છે.