ગાંધીનગરઃ રાજ્યના બિન અનામત વર્ગને લઈને રાજ્ય સરકાર દ્વારા વર્ષની શરુઆતમાં જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના બિન અનામત વર્ગ માટે આયોગની રચના કરવામાં આવી છે, જે હેઠળ સરકાર શિક્ષણ, રોજગારી અને વિદેશમાં અભ્યાસ માટે સરકાર સહાય આપશે.
બિન અનામત આયોગ માટે રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ લાભાર્થીઓની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જે હેઠળ પરિવારની આવક મર્યાદા 3થી વધારી 4.50 લાખ કરાઈ છે. આ ઉપરાંત વિદેશમાં અભ્યાસ માટેની લોનની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પરિવારની આવક મર્યાદા 4.50થી વધારીને 6 લાખ કરાઈ છે.
બિન અનામત વર્ગને લઈને લાભોની જાહેરાત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી. અને આયોગ તરફથી આવક મર્યાદા વધારાવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આવક મર્યાદા વધારીને 4.5 લાખ રૂપિયા કરાઇ છે. અગાઉ આવક મર્યાદા રૂ.3 લાખ હતી.
વિદ્યાર્થીઓ લક્ષી જાહેરાત કરતા જણાવ્યું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીના પરિવારની આવક મર્યાદમાં વધારો કરાયો છે. વિદેશ અભ્યાસર્થે જતાં વિદ્યાર્થીઓના પરિવારની આવક મર્યાદા રૂ.6 લાખ કરાઇ છે. વિદેશ અભ્યાસે જતા વિદ્યાર્થી રૂ.15 લાખની લોન મેળવી શકશે. મેડિકલના અભ્યાસ માટે રાજ્ય બહાર જનાર વિદ્યાર્થીઓને સહાય અપાશે.
બિન અનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓને આ લાભ મળશે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે પણ સરકાર સહાય કરશે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, તબીબી અને ટેકનીકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી તે માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ યોજનાનો લાભ મળતો હતો તેને બદલે હવે રાજય બહાર કોઇપણ રાજયમાં પ્રવેશ મેળવશે તો તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે સાથે રાજય બહારની આઇ.આઇ.ટી., એન.આઇ.ડી., આઇ.આઇ.એમ., નિરમા, નિફટ, ટીસ જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પુરો પાડવામાં આવશે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ માટે ની લોન હવે તબીબી અભ્યાસ સહિત કોઇપણ અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવશે તો તેને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. તબીબી ક્ષેત્રે ધોરણ-૧૨ પછી પ્રવેશ મેળવેલ હોય તેમને ઓછા વ્યાજની લોન નિગમ દ્વારા આપવામાં આવે છે જયારે અન્ય અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ગુજરાતમાં ગ્રેજયુએટ કરેલુ હોવુ જરૂરી છે.