ગાંધીધામ-વાપીમાં ‘ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેમિનાર’ યોજાશે, ગ્લોબલ સમિટ પૂર્વે આયોજન

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે “ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ઉદ્યોગોને ઇનોવેશન અને ટેકનોલોજી દ્વારા વ્યાપાર-ઉદ્યોગના વિસ્તાર માટે અને વૈશ્વિક વ્યાપારમાં સહભાગી બનવા માટે“ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેમિનાર” પ્લેટફોર્મ પૂરું પાડશે. આ વખતે સમિટમાં ઉદ્યોગોને સાથે રાખીને સેમિનાર યોજવાનો નવતર અભિગમ અપનાવાયો છે જે અંતર્ગત વાપી અને ગાંધીધામ ખાતે અનુક્રમે તારીખ ૩અને ૫ જાન્યુઆરીના રોજ “ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેમિનાર” યોજાશે.

આ સેમિનારમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તથા ઉચ્ચ સરકારી અધિકારીઓ વિવિધ વિષયો પર પોતાનાં મંતવ્યો રજૂ કરશે જેમાં “ઈનસાઈટ સ્ટોરી ઓફ સકસેસ અ રોલ ઓફ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી” મુખ્ય વિષય રહેશે. વાપી ખાતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહેશે જ્યારે ગાંધીધામ ખાતેના સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન દિલીપભાઈ ઠાકોર ઉપસ્થિત રહેશે.

આ સેમિનાર અંગે રાજ્યના ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક અને વૈશ્વિક ઉદ્યોગોને એકબીજા સાથે જોડવા ખુબ જ જરૂરી છે. આ સેમિનારમાં પરસ્પર સહભાગીતા દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઉભી કરવા પર ચર્ચા-વિચારણા કરાશે. જેનાથી રાજ્યના ઉદ્યોગોને વિકાસની નવી દિશા પ્રાપ્ત થશે. ગુજરાતમાં અનેક ઉદ્યોગકારો છે કે, જેઓએ સ્થાનિક, ભારતીય અને વૈશ્વિક સ્તરે પોતાના વ્યવસાયને વધારવા માટે સમિટ દ્વારા આયોજિત ઈન્ડસ્ટ્રી કનેક્ટ્સનો લાભ લીધો છે. જેના પરિણામે રાજ્યના અર્થતંત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.

આ સેમિનારમાં સફળ ભાગીદારો-પાર્ટિસિપન્ટ્સને તેમની સાફલ્યગાથાઓ રજૂ કરશે જેમાં સમગ્ર દેશમાં નામના ધરાવતી શોપકલુ ડોટ કોમ, મોબિક્વિક અને યાત્રા ઑનલાઈન વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે. વધુમાં આ ક્ષેત્રમાં રહેલી વિકાસની વધુ તકો અંગે વિચાર-વિમર્શ કરવા ઉદ્યોગકારો સાથે સરકારી અધિકારીઓ પણ જોડાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.”

આ સેમિનાર અંતર્ગત પીડબલ્યુસી અમદાવાદના પાર્ટનર વિવેક ઓગરાના અધ્યક્ષપદે “ઈનસાઈટ સ્ટોરી ઓફ સકસેસ અ રોલ ઓફ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી” વિષય પર એક સત્ર યોજાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ પ્રોગ્રામના નેશનલ પ્રોગ્રામ ડિરેક્ટર અભિજિત સિન્હા, સર્વિસ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડિરેક્ટર જનરલ સંગીતા ગોડબોલે, શિપિંગ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી અભિષેક ચંદ્રા ઉપસ્થિત રહેશે.