ગાંધીનગર- રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત દરવર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબર-૨૦૧૯માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓ અરજી કરી શકશે.
31 ઓગસ્ટ સુધીમાં કરવી પડશે અરજી
હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. જેમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું રહેશે. તદ્ઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, ચઢાણનો કોચિંગ કોર્સ કર્યાનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે. ઉપરાંત માઉન્ટ આબુ/જૂનાગઢ ખાતે માનદ્ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગતો સાથેની અરજી ૩૧/૦૮/૨૦૧૯ સુધીમાં આચાર્ય, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ને આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે.
તમામ ખર્ચ રાજ્યસરકાર આપશે
ઉલ્લેખનીય છે કે ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને જાણ કરાશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.