ગાંધીનગર- રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ માટે સુવિધાસભર રહેણાંક આવાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પીએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓના મળવાપાત્ર આવાસના ક્ષેત્રફળમાં વધારો કરીને પોલીસ પરિવાર માટે વધુ મોકળાશવાળા અદ્યતન ડિઝાઇન સાથેના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એ.એેસ.આઈને પણ ત્રણ રૂમ રસોડાનું સુવિધાયુક્ત મકાન ફાળવવામાં આવશે. રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકી ધરાવતા જાહેર એકમ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા રૂ.૭૮૪ કરોડના ખર્ચે નવી અદ્યતન ડિઝાઇન તૈયાર કરી અલગ-અલગ જિલ્લાઓમાં ૪૦૧૨ મકાનોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવાનું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના સિનિયર મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા પોલીસ, જેલ, હોમગાર્ડ તથા ન્યાય સહાયક વિજ્ઞાન વિભાગના રહેણાક તથા બિનરહેણાકના મકાનો બાંધવાની કામગીરી કરવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે નોકરીના કલાકો પર નજર નાંખ્યા વગર ખંતપૂર્વક ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરના મકાનો માટે અગાઉ નિયત ધારાધોરણ મુજબ કક્ષા-‘બી’ના મકાનો માટે વસવાટ લાયક બાંધકામનું ક્ષેત્રફળ ૪૧.૮૫ ચો.મી. આપવામાં આવતું હતું. જેમાં બે રૂમ રસોડાનો સમાવેશ થતો હતો. આ જ રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાં મકાનોમાં એટેચ ટોયલેટ સહિતના એક બેડરૂમ સાથે ત્રણ રૂમ રસોડાના મકાન માટે ૫૫.૪૬ ચો.મી. વસવાટલાયક ક્ષેત્રફળ મુજબ બાંધકામ કરવાનું થતું હતું.
રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ પોલીસ કોન્સ્ટેબલ માટેના કક્ષા-‘બી’ના મકાનોમાં વધુ એક રૂમ બાંધવા તથા તે માટે વસવાટ લાયક ક્ષેત્રફળ ૪૧.૮૫ ચો.મી.થી વધારીને ૫૫.૦૮૮ ચો.મી. કરવા મંજુરી આપી છે. તે ઉપરાંત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર માટેના કક્ષા-‘સી’ના મકાનોમાં વસવાટ લાયક ક્ષેત્રફળ ૫૫.૪૬ ચો.મી.થી વધારીને ૬૪.૫૫ ચો.મી. કરવા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા સરકારના ઉપરોક્ત નિર્ણય અન્વયે કક્ષા ‘બી’ તથા ‘સી’ ના વસવાટ લાયક વધુ ક્ષેત્રફળ મુજબનાં મકાનોની નવી અદ્યતન ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં લિફ્ટ તથા પાર્કિંગ સહિતના સુવિધાસભર બહુમાળી મકાનોનું બાંધકામ હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
તાજેતરમાં મોરબી, છોટાઉદેપુર, બોટાદ, ગાંધીનગર, મોડાસા, સૂરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ખેડા, ભરૂચ, પાટણ, સાબરકાંઠા અને વલસાડ સહિતના સ્થળોએ મળીને કુલ ૪,૦૧૨ મકાનો તૈયાર કરવા માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ થતા આ મકાનોના બાંધકામ માટેના વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવશે.