અમદાવાદઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન 21 એપ્રિલે ભારતની બે-દિવસની યાત્રા પર આવી રહ્યા છે. એમના પ્રવાસનો આરંભ અમદાવાદથી થશે. બંને દેશના વ્યાપાર સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે તેઓ ત્યાં અગ્રગણ્ય ઉદ્યોગપતિઓને મળશે. બ્રિટનના વડા પ્રધાન ગુજરાતની મુલાકાતે લે એવો આ પહેલો જ પ્રસંગ હશે. બ્રિટનમાં વસતા ભારતીયોની અડધા ભાગની વસ્તી મૂળ ગુજરાતનાં લોકોની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન રાજ્ય પણ ગુજરાત જ છે.
જોન્સન ત્યારબાદ 22 એપ્રિલે નવી દિલ્હી જશે અને ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બંને નેતા ભારત-બ્રિટનના વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી અંગે ચર્ચા કરશે. જોન્સને લંડનમાં કહ્યું છે કે, મારી ભારત ખાતેની મુલાકાત બંને દેશની જનતા માટે રોજગાર સર્જન તથા આર્થિક વિકાસ, ઊર્જા સુરક્ષા અને સંરક્ષણ જેવા ક્ષેત્રો માટે ખરેખર લાભદાયી પુરવાર થશે.