ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સ્પષ્ટ અને હાજર જવાબ માટે જાણીતા છે. ગઈકાલે તેમણે એક જાહેર કાર્યક્રમાં કરેલી વાતથી ભાજપના મોવડી મંડળમાં પણ આંતરિક ચર્ચા ચાલું થઈ છે. ભાજપ સરકારમાં આંતરિક ખટપટ ચાલી રહી હોય તેવો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ કરી દીધો છે. હકીકતમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર નિશાન તાકીને કહ્યું કે, હું એકલો છું ને,સામે ઘણાં બધા છે છતાંયે હું ઉભો છું. ઘણાં લોકોને હું ગમતો નથી. આ નિવેદન કરી નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.
પાટીદાર સમાજના કાર્યક્રમના મંચ પરથી નાયબ મુખ્યમંત્રીએ એવો સંદેશો વહેતો કર્યો કે, મને એકલો પાડવામાં આવી રહ્યો છે. પૂછી લો,આ બધાને. રોજ પેપર અને ટીવીમાં જોતા હશો કે,બધા એક બાજુને, હું એકલો છું. પણ મા ઉમિયાના આર્શિવાદથી હું અહીં છું. પાટીદારનું લોહી છું. તેમણે એમ પણ કહ્યું કે, ઘણાં લોકોને હું ગમતો નથી. મને ભૂલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ હું કોઇને ભુલતો નથી. જ્યાં પહોચ્યો છું તે એમ ને એમ નથી પહોચ્યો. જોકે, પટેલ પરોક્ષ રૂપે કોને ચેતવણી આપી રહ્યા હતા એ તો સ્પષ્ટ નથી થયું પણ એક વાત ચોક્કસ છે કે, ગુજરાત સરકારમાં નંબર બે નેતા નીતિન પટેલ એક વખત ફરી નારાજ છે.
મહત્વનું છે, કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અનેક અવસરો પર નીતિન પટેલની નારાજગીના સમાચારો આવતા રહે છે ઉપરાંત કેટલાક સરકારી કાર્યક્રમોમાંથી તેમનું નામ અને ફોટા નહીં હોવાના પણ અનેક ઉદાહરણો છે. 2017માં ચૂંટણી જીત્યા પછી મંત્રીમંડળના શપથ ગ્રહણ પછી નાણામંત્રાલય નહીં મળ્યા પછી નીતિન પટેલ બે-ત્રણ દિવસ સુધી સચિવાલય તેમના કાર્યલય ખાતે ગયા નહતા.
મૂળ ઉત્તર ગુજરાતના વતની નીતિન પટેલની પાટીદાર સમુદાયમાં જબરજસ્ત પકડ હોવાનું માનવામાં આવે છે. મહેસાણામાં અજય હોવાનું મનાતા પટેલ છેલ્લા અનેક દાયકાથી રાજકારણમાં સક્રિય છે. સંઘની શાખાથી લઈને ભાજપ સરકારમાં સતત મંત્રી પદ સંભાળતા આવ્યા છે.