ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાંથી ઉમેદવારી નોંધાવી

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. એ વખતે કેન્દ્રીય ગૃહ-સહકાર પ્રધાન અમિત શાહ ઉપસ્થિતિ રહ્યા હતા. 2017ની ચૂંટણીમાં પટેલ આ જ મતવિસ્તારમાંથી વિજયી થયા હતા.

ઉમેદવારી નોંધાવવા જતા પૂર્વે પટેલ અને શાહે ઘાટલોડિયા મતવિસ્તારમાં રોડશો કર્યો હતો. વિસ્તારમાં મુખ્ય પ્રધાનના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પૂર્વે એમણે એક જનસભાને સંબોધન પણ કર્યું હતું. એમણે કહ્યું કે, મારા મતવિસ્તાર સહિત સમગ્ર રાજ્યના ઉત્કર્ષ માટે પરિશ્રમની પરાકાષ્ટા કરી સદૈવ કર્તવ્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરું છું.

અમિત શાહે વિશ્વાસપૂર્વક ભૂપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ઓળખાવ્યા હતા. એમણે કહ્યું કે, ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે, પાર્ટી સૌથી વધારે સીટ જીતવાના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. આજે મારી સાથે છે, ચૂંટણી બાદ ગુજરાતના ભાવિ મુખ્ય પ્રધાન.