સાયબર ફ્રોડમાં ગુજરાત ત્રીજા નંબર પર આવ્યું..

ગુજરાત સહિત દેશનામાં વધતા ઈન્ટરનેટના ઉપયોગનો વ્યાપ વધ્યો છે. તો વધતા ઈન્ટરનેટના વ્યાપ સાથે સાયબર ક્રાઈમના કેસની ઘટનાઓ પણ વધી રહી છે. એક બાજું ડિજીટલ ઈન્ડિયાની વાતો થઈ રહી છે. ત્યારે બજી બાજું ગુજરાતમાં દર કલાકે લગભગ સાયબર ફ્રોડના 10થી વધુ ગુનાઓ નોંધાય છે.

વધતા સાયબર ફ્રોડને લઈ સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર છેલ્લાં એક વર્ષમાં સાયબર છેતરપિંડીમાં રૂપિયા 650 કરોડ ગુમાવ્યા છે. ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી પીએમઓ, સીએમઓ અધિકારી બાદ નકલી ઓળખ બનાવીને સાયબર ગઠિયાઓ ગુજરાતના નાગરીકોને લૂટી ગુનાખોરી આચરી રહ્યા છે. ફેક પ્રોફાઈલ, ફેસબુક આઈડી સહિતની નકલી ઓળખ બનાવીને નાગરિકોના ખિસ્સા પર લૂંટ ચલાવામાં આવી રહી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ વધી રહ્યો છે, ત્યારે ઓનલાઈન, સોશીયલ મીડિયા, ઈ-બેન્કિંગ સહિતના સાયબર ગુનાઓમાં પણ વધારો થયો છે.

મળતી માહિતી અનુસાર વર્ષ 2023માં ગુજરાતમાં સાયબર ફોડની કુલ મળીને 1,21,701 ફરિયાદો નોંધાઈ હતી. એટલું જ નહીં, સાયબર ગઠિયાઓએ ઓનલાઈન ફોડ કરીને ગુજરાતીઓના રૂ. 650 કરોડ લૂટ્યા છે. ગુજરાતમાં દર કલાકે 13થી વધુ સાયબર ફ્રોડના ગુના નોંધાઇ રહ્યા છે. આમ, એક દિવસમાં સરેરાશ 333થી વધુ સાયબર છેતરપીંડીના ગુનાઓ ગુજરાત પોલીસના ચોપડે નોંધાઇ રહ્યા છે. વર્ષ 2023માં આખા દેશમાં ઓનલાઈન ફ્રોડની કુલ મળીને 11,28,265 રાજ્યમાં સાઈબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઉત્તરપ્રદેશ 1,97,457, મહારાષ્ટ્રમાં 1,25,153 અને ગુજરાતમાં 1,21,701 ફરિયાદો નોંધાઈ છે. ઓનલાઈન ફોડમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળે તે જરૂરી છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુનાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. આ પરથી સરકાર અને ગૃહવિભાગને સાયબર ક્રાઈમને રોકવામાં કેટલો રસ છે તે પ્રસ્થાપિત થાય છે.