અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે મતદાન યોજાયું હતું. સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. છ બેઠકોમાં સરેરાશ 51 ટકા જેટલું મતદાન થયું છે.
રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન થયું હતું. રાધનપુર અને બાયડ બેઠક પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા છે.
સૌથી મહત્વની વાત એ રહી કે આજે યોજાયેલા મતદાનમાં મતદારોની નિરસતા જોવા મળી હતી. મતદારોની નિરસતા દેખાતા છેલ્લી ઘડીના મતદાન માટે કાર્યકર્તાઓની દોડધામ મચી ગઇ હતી.
આજે છ બેઠકો પર થયેલા સરેરાશ મતદાનની વાત કરીએ તો, થરાદ 68.95 ટકા, રાધનપુર 59.87 ટકા, ખેરાલુ 42.81 ટકા, બાયડ 57.81 ટકા, અમરાઈવાડી 31.53 ટકા, લુણાવાડા 47.54 ટકા જેટલું મતદાન થયું હતું.