ગુજરાતનું વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.
ગુજરાત બજેટ 2025 રજૂ કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું, “વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળવા બદલ માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતની સમગ્ર જનતા વતી હું અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત ૨૦૪૭ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે. બે દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મોખરે છે.
ગુજરાત બજેટ 2025-26માં મહત્વની જાહેરાતો
|
ગુજરાતનો દેશની GDPમાં અમુલ્ય ફાળો
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજીસ્ટીક્સ ઇઝ એક્રોસ ડીફરન્ટ સ્ટેટ્સ (LEADS) સૂચકાંકમાં “Achievers” દરજ્જો મેળવેલ છે.
વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન પ્રેરીત GYAN – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે.
ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન થશે પૂર્ણ
ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹1 લાખ 20 હજારની સહાયમાં મકાનદીઠ ₹50 હજારના માતબર વધારા સાથે ₹1 લાખ 70 હજાર કરવાની જાહેરાત થઈ.
પોષણલક્ષી યોજના માટે 8200 કરોડની ફાડવણી
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે. પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે 21% ના વધારા સાથેની અંદાજીત ₹8200 કરોડની જોગવાઇ સૂચવું છું.
બાળકોના પોષણ, અભ્યાસ અને વિકાસ લઈ લક્ષી જાહેરાતો
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ સૂચવું છું. પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા 72 તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹551 કરોડની જોગવાઇ સૂચવું છું. બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹274 કરોડની જોગવાઇ સૂચવું છું.
ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5%નો થયો વધારો
આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના ૧૫૦મા વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5% ના વધારા સાથે ₹1100 કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે.
સ્વરોજગારીને મળ્યું પ્રોત્સાહન
કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઇ બેંકેબલ યોજના” હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ₹25 લાખ તથા સબસીડી રકમ વધારી ₹3 લાખ 75 હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં 100% નો વધારો કરીને ₹480 કરોડની જોગવાઇ સૂચવું છું. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરું છું. આ બેંકેબલ યોજનામાં ₹10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે.
ગુજરાત ટુરિઝમને મળ્યું પ્રોત્સાહન
હોટલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન પ્રભાગના બજેટમાં 31% ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ ₹6505 કરોડ સૂચવું છું. જેમાં ઇન્ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 200 એ.સી.બસો સંચાલિત કરવામાં આવશે. એકાવન શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ માઁ અંબાના ધામ અંબાજીના વિકાસ માટે ₹180 કરોડની વિશેષ જોગવાઇ કરું છું.
