ગુજરાત ATSને મળી મોટી સફળતા, આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલા બે લોકોને દબોચ્યા

ગુજરાત ATS આતંકી ગતિવિધી સાથે સંકળાયેલા લોકોને ઝડપી પાડવામાટે સતત કાર્યરત રહે છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં તમામ ખુણે ગુનાખોરીને ડામવા માટે ATS કટીબધ્ધ છે. ATSને ફરી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત ATS સહિતના હરિયાણાની સુરક્ષા એજન્સી STF સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સંયુક્ત કાર્યવાહીથી આતંકી ગતિવીધ સાથે સંકળાયેલા બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે ફરીદાબાદથી બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હરિયાણા STF સાથે કરવામાં આવેલાં સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગુજરાત ATSને ઉત્તર પ્રદેશથી બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખ્સો હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STFને સાથે રાખી રવિવારે (2 માર્ચ) મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવાયા હતાં. સમગ્ર મામલે હરિયાણા STFમાં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATSના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્ય સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે શું કરવા માંગતા હતા? આ સિવાય આ આતંકીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.