અમદાવાદ- આતંકી સંગઠનને આર્થિક મદદ સહિત સ્લિપર સેલ સાથે સંકળાયેલો આતંકી અબ્દુલ વહાબ શેખની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. અબ્દુલ વહાબ છેલ્લા 16 વર્ષથી ફરાર હતો. ગુજરાત રમખાણો બાદ પ્રદેશના યુવકોને ધર્મના નામ પર ભડકાવીને હિંસા કરાવાવ અને હિન્દૂ નેતાઓની હત્યા કરાવવાનું ષડયંત્ર રચનાર આતંકી અબ્દુલ વહાબની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓને એવી બાતમી મળી હતી કે, વહાબ સાઉદી અરબના જેદ્દાહથી અમદાવાદમાં તેમની બીજી પત્ની અને બાળકોને મળવા આવી રહ્યો છે.
એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનથી અમદાવાદ એરપોર્ટ પર વહાબને પડકવા માટે જાળ બિછાવી હતી. મહત્વનું છે કે, ગુજરાતમાં વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસમાં 58 કારસેવકોને જીવીત સળગાવી દેવાયા બાદ રાજ્યમાં મોટાપ્રમાણમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. રમખાણોનો બદલો લેવા માટે જ વહાબે અનેક આતંકી સંગઠનો સાથે મળીને રાજ્યમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
પ્રદીપસિંહ જાડેજાએ ટીમને આપ્યાં અભિનંદન
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ક્રાઈમબ્રાન્ચ અને એટીએસની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, આ આતંકીની ધરપકડથી હવે એ જાણકારી મેળવી શકાશે કે, ગુજરાતમાં કેટલી જગ્યાઓ પર તેમણે આતંકી સંગઠન માટે સ્લીપર સેલ તૈયાર કર્યા છે.
મદદનીશ પોલીસ કમિશનર ભગીરથસિંહ ગોહિલે કહ્યું કે, આતંકી અબ્દુલ વહાબ શેખ 2003થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો. વહાબ પાકિસ્તાની ISI, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મહમ્મદની મદદથી ગુજરાતમાં હિંસા ફેલાવવા અને હિન્દૂ નેતાઓની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. 2003માં ગુજરાત પોલીસે આ ષડયંત્રને ખુલ્લુ પાડતા 84 લોકોના નામ જાહેર કર્યા જેમાંથી 70ની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ વહાબ સહિત 12 લોકો વિદેશ ભાગી ગયા હતાં. વહાબે સાઉદી અરબમાં કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, રસૂલ પાર્ટીની સાથે બેઠકો કરીને આ ષડયંત્ર રચ્યું તેમજ ગુજરાતમાં ગેરકાયદે ચાલતા મની ટ્રાન્સફર નેટવર્ક આંગડિયા મારફતે ત્રણ વખત રાજ્યના કેટલાક શહેરોમાં યુવકોને નાણા પણ મોકલ્યા હતાં. મહત્વનું છે કે, અબ્દુલ વહાબની બીજી પત્ની થોડા દિવસો અગાઉ જ બાળકો સાથે અમદાવાદ આવી હતી.