ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આજે વિજયભાઈ રૂપાણીએ બીજી વાર ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કરતા પહેલા તેઓએ સવારે સ્વામીનારાયણ મંદિરમાં પૂજા કરી હતી. મહત્વનું છે કે ભાજપના શીર્ષ નેતૃત્વએ ઓછી સીટો આવી હોવા છતા એકવાર ફરીથી ગુજરાતની ગાદી પર બેસાડવા માટે વિજય રૂપાણી પર ભરોસો મુક્યો છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સાથે જ ઘણા કેન્દ્રીય મંત્રીઓ સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો જોડાયા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલની સાથે 20 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આ પૈકી 6 પાટીદાર ચહેરા છે, 6 ઓબીસી, 2 રાજપૂત, 3 આદિવાસી, 1 બ્રાહ્મણ, અને 1 જૈન ચહેરો છે. આ પૈકી નોર્થ ગુજરાતથી છ, સૌરાષ્ટ્રથી સાત, મધ્ય ગુજરાતથી 2, દક્ષિણ ગુજરાતથી 5 ચહેરાઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આર.સી. ફળદુઃ (કેબિનેટ પ્રધાન)
જામનગર દક્ષિણથી ધારાસભ્ય આર.સી.ફળદુ લેઉઆ પટેલ સમાજના છે. તેઓ 2 વાર ગુજરાત ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. પાટીદારોના આકરા વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રમાંથી જીતીને તેઓ સતત ત્રીજીવાર ધારાસભ્ય બન્યા છે.
ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાઃ (કેબિનેટ પ્રધાન)
ભૂપેંન્દ્ર સિંહ ચૂડાસમા ક્ષત્રીય સમાજમાંથી આવે છે. તેઓ આ પહેલા પણ રૂપાણી સરકારના સીનીયર મંત્રી હતા. શીક્ષણ અને રાજસ્વ જેવા મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે. અમદાવાદ જીલ્લાની ધોળકા બેઠક પરથી તેઓ 5મી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે.
કૌશિક પટેલઃ (કેબિનેટ પ્રધાન)
ગુજરાત ભાજપના સંગઠનું એક મોટુ નામ અને પટેલ સમાજમાંથી કૌશીક પટેલ આવે છે. પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના સૌથી ટોચના ભરોસાપાત્ર વ્યક્તિઓમાં કૌશીક પટેલનો સમાવેશ થાય છે. આ વખતે અમિત શાહની ખાલી થયેલી સીટ નારણપુરાથી ચૂંટણી જીતીને કૌશીક પટેલ ચોથીવાર ધારાસભ્ય બન્યા છે.
ગણપત વસાવાઃ(કેબિનેટ પ્રધાન)
ગણપત વસાવા ગુજરાત ભાજપનો અત્યારે સૌથી મજબૂત આદિવાસી ચહેરો છે જેમેણે દક્ષિણ ગુજરાતમાં ભાજપનું પ્રભુત્વ મજબૂત કરવામાં ઘણી મહેનત કરી છે. સતત ચોથી વાર તેઓ સૂરતની માંગરોળ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. રૂપાણી સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તો આ સાથે જ વિધાનસભામાં સ્પીકર તરીકે પણ તેઓ પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે. તો સૌથી મહત્વની વાત એ કે તેઓ મોદી અને આનંદીબેનના પ્રધાનમંડળમાં સમાવિષ્ટ હતા.
જયેશ રાદડિયાઃ (કેબિનેટ પ્રધાન)
જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે અને જયેશ પોતે પણ પાટીદાર સમાજમાં પોતાનું ગુડવીલ અને પ્રભુત્વ ધરાવે છે. પાટીદાર આંદોલનના તોફાન વચ્ચે જયેશ જેતપુર સીટ પરથી મોટી સરસાઈથી જીત્યા છે. 2007ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા અને 2012માં તેઓ પોતાના પિતા સાથે ભાજપમાં જોડાયા હતા અને ચૂંટણી જીત્યા હતા.
દિલીપ ઠાકોરઃ (કેબિનેટ પ્રધાન)
દિલીપ ઠાકોર ગુજરાત ભાજપના એક એવા મંત્રી છે જેઓ ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજમાં તેઓ સારૂ પ્રભુત્વ પણ ધરાવે છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠાકોર આંદોલનની લહેર વચ્ચે તેઓ ભારે બહુમત સાથે 5મી વાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. તેઓ મોદી, આનંદીબેન અને રૂપાણી મંત્રી મંડળંમાં પણ આ પૂર્વે મંત્રી રહી ચૂક્યા છે.
પરબત પટેલઃ(રાજ્યપ્રધાન)
પરબત પટેલ ઉત્તર ગુજરાતના ચોધરી સમાજમાંથી આવે છે. બનાસકાંઠાની થરાદ સીટ પરથી તેઓ પાંચમીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. મોદી અને આનંદીબેન સરકારમાં પણ તેઓ આ પૂર્વે પ્રધાન રહી ચૂક્યા છે.
પ્રદીપ સિંહ જાડેજાઃ (રાજ્યપ્રધાન)
પ્રદીપ સિંહ જાડેજા અમિત શાહના સૌથી ખાસ લોકો પૈકીના એક છે. ગુજરાતના ઉભરી રહેલા ક્ષત્રીય ચહેરાઓમાં પણ તેમનો સમાવેશ થાય છે. વર્તમાન સરકારમાં ગૃહરાજ્ય પ્રધાન જાડેજા સતત ચોથીવાર ચૂંટણી જીતીને વિધાનસભાના સભ્ય બન્યા છે. આ પૂર્વે તેઓ મોદી, આનંદીબેન અને રૂપાણી સરકારમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે.
પુરૂષોત્તમ સોલંકી(રાજ્યપ્રધાન)
પુરૂષોત્તમ સોલંકી સતત છઠ્ઠીવાર વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. તો આ સાથે જ સોલંકી રાજ્યનો મોટો કોળી ચહેરો છે કે જેમણે અત્યાર સુધી કોળી સમાજને ભાજપ સાથે જોડી રાખ્યો છે. જો કે આ વખતે પાર્ટી કોળી સીટો પર ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શકી નથી. જોકે આમ છતા પણ પુરૂષોત્તમ સોલંકી ગુજરાત રાજ્યના પ્રધાન મંડળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
વાસણભાઈ આહિરઃ (રાજ્ય પ્રધાન)
વાસણભાઈ આહિર આહિર સમાજના નેતા છે અને કચ્છ પંથકમાં સારૂએવું પ્રભુત્વ ધરાવે છે. આ પહેલા તેઓ ભૂજ અને અંજાર બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે તો આ વખતે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ જીતીને પાંચમીવાર ધારાસભ્ય બન્યા છે.
ઈશ્વર સિંહ પટેલઃ (રાજ્યપ્રધાન)
ઈશ્વરસિંહ કોળી પટેલ સમાજના નેતા છે અને અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી તેઓ ચોથીવાર ચૂંટણી જીત્યા છે. આ પૂર્વે તેઓ રૂપાણી ને મોદી સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજમાં ઈશ્વરભાઈ સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે.
કુમાર કાનાણીઃ(રાજ્યપ્રધાન)
કુમાર કાનાણીને પાટીદાર આંદોલનનું એપી સેંટર ગણાતી સૂરતની વરાછા સીટ પર મોટા માર્જીન સાથે જીતવાની ભેટ પ્રાપ્ત થઈ રહી છે. કાનાણી બીજી વાર અહીંયાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે પરંતુ સુરતમાં પાટીદાર આંદોલનની ઈફેક્ટને ઓછી કરવામાં કાનાણીએ મહત્વની ભૂમીકા ભજવી છે અને તેઓએ પ્રથમવાર પ્રધાન મંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વિભાવરી બેન દવેઃ (રાજ્ય પ્રધાન)
વિભાવરી બેન રૂપાણી સરકારમાં એકમાત્ર મહિલા અને બ્રાહ્મણ ચહેરો છે. વિભાવરીબેન ત્રીજીવાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. વિભાવરીબેન ભાવનગરના પ્રથમ મહિલા મેયર પણ રહી ચૂક્યા છે. તો આ પહેલા પહેલા તેઓ રૂપાણી સરકારમાં સંસદિય સચિવના પદ પર પણ પોતાની ફરજ અદા કરી ચૂક્યા છે.
બચુ ખાબડઃ(રાજ્ય પ્રધાન)
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા સીટ કે જે કોંગ્રેસનો ગઢ મનાતી હતી તે જગ્યા પર બચુભાઈ ખાબડે ચૂંટણી જીતી હતી અને તે જ સીટને 2012માં પ્રાપ્ત કરી હતી અને એટલા માટે જ આનંદી બેન સરકારમાં તેઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા તો આ સાથે જ તેઓ રૂપાણી સરકારના ગત પ્રધાન મંડળમાં પણ સમાવિષ્ટ હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજીવાર તેઓએ આ સીટ પરથી જીત પ્રાપ્ત કરી છે.
રમણ પાટકરઃ (રાજ્ય પ્રધાન)
રમણ પાટકર દક્ષિણ ગુજરાતના એક મોટા આદિવાસી નેતા છે જેમણે 1995માં દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં ભાજપની જીતનો પાયો નાંખ્યો હતો. ગુજરાતની ઉમરગામ સીટ પરથી આ વખતે તેઓ પાંચમીવાર વિજેતા બન્યા છે. અને એટલા માટે તેઓને આ વખતે પ્રથમવાર પ્રધાન પદ સોંપવામાં આવ્યું છે.
ઈશ્વર પરમાર
ઈશ્વરભાઈ પરમાર રૂપાણી સરકારનો દલિત ચહેરો છે. જ્યારે ગુજરાતમાં ભાજપના તમામ મોટા દલિત ચહેરા આ વખતે ચૂંટણી હારી ગયા છે ત્યારે પાર્ટીએ આ યુવા દલિત નેતાને આગળ વધાર્યા છે અને પ્રથમવાર પ્રધાન મંડળમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે.
જયદ્રથ સિંહ પરમાર
જયદ્રથ સિંહ પરમાર ગુજરાતમાં પાર્ટીના મજબૂત ક્ષત્રીય ચહેરા છે. કોંગ્રેસના વર્ચસ્વ વાળી પંચમહાલ જિલ્લાની હાલોલ સીટને જયદ્રથ સિંહ 2002થી સતત જીતતા આવ્યા છે. જયદ્રથ સિંહ મોદી આનંદીબેન અને રૂપાણી સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.