અમદાવાદમાં 15 મેથી શરતોને આધીન શાકભાજી, કરિયાણાની દુકાનો ખુલશે

અમદાવાદ- લોકડાઉનને 50 દિવસ થઈ ગયા હોવા છતાં શહેરમાં કોરોના વાઈરસ બીમારી કાબૂમાં આવતી નથી. શહેરમાં 10મેની સાંજથી 11મેની સાંજ સુધીમાં કોરોનાના 268 નવા કેસ સામે આવ્યા હતા. દરમિયાન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય લીધો છે.

તે અનુસાર, 15મેથી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે.આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.

શહેરમાં 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરી શરૂ કરવામાં આવનાર છે. ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી તમામ મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધારે ડિલિવરી સ્ટાફનું આજથી સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોમાં સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાય તે રીતે તેઓને સ્ક્રિનિંગ કરી હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડની વેલિડિટી 7 દિવસ સુધી રહેશે.