રાજકોટઃ ઘણીવાર આપણે લોકોને કહેતાં સાંભળ્યાં છે કે ભાઈ જમાનો બહુ ખરાબ છે, કોઈના પર વિશ્વાસ ન કરાય. આ પ્રકારની સમાજમાં ઘણીવાર સાંભળવા મળતી વાતો કદાચ ક્યારેક સાચી સાબિત થતી હોય તેવું લાગે છે. હવે વાડ જ જ્યારે ચીભડા ગળી જાય ત્યારે આમાં દોષ કોનો દેવો? આવી જ એક ઘટના બની છે ગોંડલમાં.
ગોંડલના મોવિયા રોડ પર રહેલા પટેલ પરિવારની 19 દિવસની બાળકીનું ભેદી સંજોગોમાં મોત થયું હતું. બાદમાં તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જે ખુલાસાઓ થયા, તે હકીકતમાં સંબંધોને શર્મસાર કરનારા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિગતો સામે આવી કે ઝેરી દવા પીવાથી બાળકીનું મોત થયું છે. ત્યારે આ મામલે વધુ તપાસ કરતા સગી દાદીએ પોતાની પૌત્રીનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો સામે આવતા પરિવારજનો સહિત સહુ કોઈ અચંબિત થઈ ઉઠ્યા હતા.
ગોંડલનાં મોવિયા રોડ પર પશુ દવાખાના સામે જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઈ રણછોડભાઈ રૈયાણીની ૧૯ દિવસની પુત્રી કિંજલને ઝેરી દવાની અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર કિંજલને દવાની શીશીમાં મોનોકોટ નામની ઝેરી દવા મિક્સ કરી પીવડાવી દેવામાં આવતા તેનું મોત થયું હતું. પૉસ્ટમોર્ટમ રીપોર્ટમાં બહાર આવેલી વિગતો બાદ ગોંડલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ બનાવમાં ૧૯ દિવસની કિંજલની હત્યા તેની જ દાદી શાંતાબેન રણછોડભાઈ રૈયાણી ઉ.વ.૬૦એ કરી હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે શાંતાબેન વિરૂદ્ધ તેના જ પુત્ર કેતન રણછોડભાઈ રૈયાણી ઉ.વ.૩૫ની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.