વ્યાજખોરો પર સરકારની લાલ આંખ, દેશમાં પ્રથમ વખત મિલકત થઈ જપ્ત

ગુજરાત સરકારે વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. સુરતના ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ સમારંભ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગાંધીધામ પોલીસે વ્યાજખોરો સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. દેશના ઈતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરો સામે ગુનો નોંધાયો, ગુજસીટોક (GUJCTOC) હેઠળ કાર્યવાહી થશે, અને વ્યાજથી બનાવેલી મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ મિલકતોની હરાજી કરી, તેની રકમ નાગરિકોના હિતમાં વાપરવાની યોજના બનાવવામાં આવી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે કચ્છના અંજારમાં અંજાર પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) કાયદા હેઠળ વ્યાજખોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ રિયાબેન, આરતીબેન અને તેજસ ઈશ્વરગર ગૌસ્વામી સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓની 63.46 લાખ રૂપિયાની મિલકત, જેમાં ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડીનો સમાવેશ થાય છે, જપ્ત કરાવામાં આવ્યા. આ કાર્યવાહી દેશમાં પ્રથમ પ્રકારની ગણાય છે. આ મામલે સંઘવીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર રીલ્સ કે વટ બતાવવા ગન લાઈસન્સનો દુરુપયોગ કરનારાઓના લાઈસન્સ રદ કરવાની રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ થઈ છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે પણ ગુના નોંધી કડક પગલાં લેવાશે.