અમદાવાદ– આગામી જાન્યુઆરી-ર૦૧૯માં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ યોજાનાર છે. જેમાં ભારત સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. મહાનુભાવોને રોકાણની વ્યવસ્થા અમદાવાદ – ગાંધીનગરની વિવિધ હોટેલમાં કરવામાં આવનાર છે. વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯માં ભાગ લેવા આવનાર મહાનુભાવો માટે અમદાવાદ-ગાંધીનગરમાં આવેલી સ્ટાર હોટલના ભાડા એક સરખા અને વાજબી રહે તેમજ યોગ્ય સહકાર મળી રહે તે માટે મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહની અધ્યક્ષતામાં તમામ હોટલના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઇ હતી.
જેમાં, તમામ હોટલના પ્રતિનિધિઓ દ્વારા સમિટમાં આવનાર મહાનુભાવોને રહેવા માટે સારી અને ઉત્તમ વ્યવસ્થા એક સરખા અને વાજબી દરે આપવાની ખાતરી રાજ્ય સરકારને આપવામાં આવી હતી.
વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯ દરમ્યાન મહાનુભાવોના આતિથ્ય માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા હોટલો કટિબધ્ધ છે. આ ઉપરાંત, હોટેલોમાં ખાસ વ્યવસ્થાના ભાગરૂપે વિશેષ ડેકોરેશન, લાઇટીંગ તેમજ મહેમાનોના સ્વાગત માટે અલગથી આયોજન કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ દરમ્યાન ગુજરાતમાં રોકાનાર મહાનુભાવો માટે હોટેલ દ્વારા ભોજન માટે ગુજરાતી વાનગીઓ સાથેની એક નવીન ’’વાયબ્રન્ટ થાળી’’ પણ પીરસવામાં આવશે તેમ પણ હોટેલ પ્રતિનિધિઓએ કહ્યું હતું.
હોટેલ એસોસિએશનના અધ્યક્ષશ્રી નરેન્દ્ર સોમાણી દ્વારા હોટલ એસોસિયેશન વતી જણાવાયું હતું કે, અમદાવાદ – ગાંધીનગરમાં આવેલી સ્ટાર હોટેલોમાં રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.