પાકમાં પાણીની અછત ભાવમાં છેવટે આંખોમાં લાવશે પાણી..

અમદાવાદઃ ડુંગળીનું વાવેતર આ વર્ષે ઓછું થતા ડુંગળી આ વર્ષે ગ્રાહકોને રડાવી શકે છે. આ વર્ષે 3 ડિસેમ્બર સુધીમાં સરેરાશ 12,191 હેક્ટરમાં અથવા ગયા વર્ષની સરખામણીમાં 50 ટકા વિસ્તારમાં જ ડુંગળીનું વાવેતર થયું છે. 2017માં 3 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં 24,200 હેક્ટરમાં ડુંગળીનો પાક લેવામાં આવ્યો હતો. રાજ્યમાં કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શિયાળામાં રાજ્યમાં સરેરાશ 46,400 હેક્ટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થાય છે. આ વર્ષે સરેરાશ 26 ટકા એકરમાં અથવા 12,191 હેક્ટરમાં વાવણી થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડુંગળીનો પાક મુખ્યત્વે ભાવનગર અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં લેવામાં આવે છે. આ વર્ષે 12,191 હેક્ટરમાં વાવણી કરવામાં આવી છે તેમાંથી સૌરાષ્ટ્રમાં 10,900 હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રમાં પૂરતું પાણી નથી અને એટલા માટે જ ખેડુતો ડુંગળીની વાવણી કરવાનું ટાળી રહ્યા છે. ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્ણ થઈ ગયું છે ત્યારે એકર દીઠ ડુંગળીની વાવણીને વેગ મળે તેવું લાગતું નથી.

મહત્વની વાત એ પણ છે કે 2017ના વર્ષમાં પણ પાણીની તકલીફ હતી જ પરંતુ ખેડૂતોને તેમના પાકમાંથી કમાણી થઈ શકે તેવી રકમ પણ પ્રાપ્ત થઈ હતી જેના કારણે તેમણે વાવણી ચાલુ રાખી હતી. અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી યાર્ડમાં ડુંગળી 5 થી 11 રુપિયા પ્રતિ કિલો વેચાય છે. ત્યારે રિટેઈલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 25 રુપિયા કિલો છે.

આ વર્ષે ડુંગળીનો પાત 15 ડિસેમ્બરથી આવવાનો શરુ થશે. રાજ્યના ડુંગળી માટેના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા મહુવા માર્કેટ યાર્ડમાં અત્યારે એક દિવસમાં 7,000 થી 8,000 કોથળા એક દિવસમાં આવે છે જેનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]