ગાંધીનગરઃ રાજય સરકાર અછત રાહતની કામગીરીને લઈને અંત્યંત ગંભીર છે. દિવાળી પછી તરત જ સરકારે અછત જાહેર કરી હોય એવું રાજયના ઈતિહાસમાં પહેલીવાર થયું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, અછતની સ્થિતિ, અબોલ જીવોની જરૂરિયાતો અને લોકોના પ્રશ્નોને રાજય સરકાર ગંભીરતાથી લઈ રહી છે. જીવાદોરી સમાન નર્મદા યોજનાથી રાજયમાં કપરી પરિસ્થિતિ સર્જાતી નથી આમ છતાં હજુ આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ થાય ત્યારે આપણે સહુએ સાથે મળીને સ્થિતિનો સામનો કરવાનો છે.
કાંતિભાઈ સોઢા પરમારના છેલ્લાં દિવસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વસ્તી વધી છે, પરિણામે પાણીનો વપરાશ પણ વધ્યો છે. હજુ તો, શિયાળો જવામાં છે, ઉનાળાના દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની સંભાવના છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં શિસ્તબદ્ધ રીતે પાણી વાપરવું પડશે.
સરદાર સરોવર નર્મદા યોજનાના આશીર્વાદને કારણે પીવાના પાણીની તંગી પડતી નથી. ઉત્તર ગુજરાતમાં નર્મદાના પાણીના કારણે વર્ષોની ફ્લોરાઈડયુક્ત પાણીની ફરિયાદથી છૂટકારો મળ્યો છે એમ કહીને નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની વર્તમાન પેઢી ભાગ્યશાળી છે કે, પાણીમાં ફ્લોરાઈડની માત્રા કે, વધુ ટી.ડી.એસ. હોવાની સમસ્યાઓ શું હોય એનો અનુભવ થયો નથી.
નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્ય સરકારના યોગ્ય વ્યવસ્થાપનના પરિણામે અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરા જેવા મહાનગરો સહિત મોટાભાગના શહેરો-ગામોને TDS વિનાનું નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે છે. નવી પેઢીને તો TDS શું છે તેની જાણ પણ નથી. અગાઉની કેન્દ્ર સરકારમાં વર્ષોથી નર્મદા બંધની ઊંચાઇ વધારવાની મંજુરી મળતી ન હતી.
જ્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યાના માત્ર સતર જ દિવસમાં બંધમાં દરવાજા મુકવાની મંજૂરી અપાઇ જેના પરિણામે આજે નર્મદા બંધની ઊંચાઇ ૧૩૮ મીટર સુધી લઇ જવામાં આવી છે. જેથી આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને નર્મદાનું પાણી આપી શકાય છે તેમ,તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર વર્તમાન સરકાર દ્વારા દિવાળી બાદ તરત જ અછતગ્રસ્ત વિસ્તારો માટે અછત જાહેર કરવામાં આવી હતી તેમજ જરૂરી મદદ જેવી કે ઘાસ, પાણી અને ખેડૂતોને રોકડ સહાય પણ કરવામાં આવી છે. અછત આપત્તિના સમયમાં ગુજરાતની તિજોરી પ્રજાની મદદ માટે હંમેશા ખુલ્લી રહેશે. નાણાંના અભાવે રાજ્યની પ્રજાને કોઇપણ જાતની અગવડ ન પડે તે માટે આપણે સૌ એક થઇ પ્રજાની મુશ્કેલીઓ નિવારવા પ્રયાસ કરીએ તેમ નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું.
રાજ્ય સરકારે ઓછા વરસાદને લઇને ઊભી થયેલી પરિસ્થિતિ સામે પુરતા અને આગોતરા પગલાં લીધા છે ત્યારે આ પ્રસ્તાવને વિધાનસભા ગૃહમાં નામંજૂર કરવામાં આવ્યો હતો.