રાજ્યભરના 36 શ્રેષ્ઠ શિક્ષકોનું સરકારે કર્યું સન્માન, શાળાદીઠ ટેબ્લેટથી શિક્ષકોની બાયોમેટ્રિક એટેન્ડસ લેવાશે

ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘શિક્ષક દિને’ રાજ્યભરના ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોનું મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં સન્માન કરતા જણાવ્યું હતું કે, ગુરૂજનો સંસ્કારવાન પેઢી નિર્માણનું કાર્ય કરે છે. જેનાથી મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, આવા સંસ્કારિત શિક્ષણ કર્મથી મોટો કોઇ ધર્મ નથી.રાજ્યપાલે ‘ગુરૂદેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિ-સંસ્કારની યાદ અપાવતા જણાવ્યું હતું કે, દુનિયામાં માનવ નિર્માણનું કાર્ય સૌથી કઠિન છે, છતાં સૌથી જરૂરી છે. આ કાર્ય ગુરૂજનો જ કરી શકે છે. વીર પુરૂષોના શૌર્યથી, સંસ્કારવાન યુવા પેઢીના ઘડતરથી મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે અને આ કાર્ય ગુરૂ દ્વારા ગુરૂકુળ-શાળાઓમાં થાય છે. તેમણે જણાવ્યું હતું કે, વિચારો ચિત્તમાં પ્રગટે છે અને ઊર્મિઓ હ્રદયમાં ઉઠે છે. ગુરૂ-શિષ્યના મન-હ્રદય એકાકાર થાય તો ગુરૂની સમસ્ત વિદ્યાનો આવિર્ભાવ શિષ્યમાં થાય છે. એટલે જ રાજ્યપાલે ગુરૂજનોની સંસ્કાર સજ્જતા ઉપર ભાર મૂક્યો હતો.

રાજ્યપાલે પુરસ્કાર વિજેતા શિક્ષકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, એક જમાનો હતો જ્યારે ભારતના ગુરૂજનોની પ્રતિભાને કારણે દુનિયભરના લોકો ભારતમાં ગુરૂજીના ચરણોમાં બેસી વિદ્યા પ્રાપ્ત કરવા ઉમટી પડતા હતા. નાલંદા-તક્ષશિલાની જાહોજલાલીનો પણ રાજ્યપાલે આ તકે ઉલ્લેખ કર્યો હતો. માતા-પિતાએ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુરૂજનો ઉપર વિશ્વાસ મૂકી તેમના સંતાનોને સોંપ્યા છે, ત્યારે ગુરૂજનોની સવિશેષ જવાબદારી છે. આ કારણે જ ગુરૂજનોએ શિષ્યના નિર્માણની માત્ર ચિંતા જ નહીં; જવાબદારી પણ નિભાવવા સજ્જ બનવાનું છે. આ તબક્કે રાજ્યપાલે કુરૂક્ષેત્ર ખાતે ગુરૂકુળમાં પ્રધાન આચાર્ય તરીકેના પોતાના સંસ્મરણો પણ તાજાં કર્યા હતા.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ શિક્ષક સમુદાયને સમાજ ક્રાંતિના સંવાહક ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે નયા ભારતના નિર્માણમાં ગુજરાત શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાથી લીડ લેવા પ્રતિબધ્ધ છે. પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગાંધીનગરમાં ૩૬ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય પુરસ્કારો અર્પણ કરવાના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં શ્રી વિજયભાઇ રૂપાણી સંબોધન કરી રહ્યા હતા.

તેમણે શિક્ષક સમાજના શકિત, સામર્થ્યથી ભારત માતાને દુર્ગા જેવી શકિતશાળી અને સરસ્વતી જેવી જ્ઞાનપૂંજ સમાન તેજસ્વી બનાવી જગદગુરૂ તરીકે બિરાજીત કરાવવાનું પ્રેરક આહવાન પણ શિક્ષકોને કર્યુ હતું. શિક્ષણ વ્યવસ્થામાં, શિક્ષણ વિભાગની કાર્યપધ્ધતિમાં વફાદારી, ઇમાનદારી અને પ્રામાણિકતાથી વ્યવસ્થામાં બદલાવ લાવવા વિશ્વાસનું વાતાવરણ બનાવવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીયે. તેમણે વ્યથા નહિ, વ્યવસ્થાનો કાર્યમંત્ર આપતાં સ્પષ્ટપણે ઉમેર્યુ કે, શિક્ષકોના પ્રશ્નોને પ્રાયોરિટી આપી શિક્ષક અનૂકુળ વાતાવરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે.મુખ્યપ્રધાને રાજ્યમાં શિક્ષકોની ૧૦૦ ટકા ઓન લાઇન બાયોમેટ્રિક હાજરી સહિતની બાબતોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, હવે શાળા દીઠ ૧ ટેબ્લેટના માધ્યમથી શિક્ષકોની બાયોમેટ્રિક એટેન્ડસ લેવાનું પણ નક્કી કર્યુ છે. સમાજ માટે સમયદાન આપીને કર્તવ્યરત રહેતો શિક્ષક પરિવાર ભાવિ પેઢીના ઘડતર તેમજ રાષ્ટ્રનિર્માણ અને ચારિત્ર્ય નિર્માણનો નિર્માતા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે રાજ્ય સરકારના વિભાગોમાં પણ હાજરીની નિયમિતતા માટે આવનારા દિવસોમાં બધા વિભાગોમાં બાયોમેટ્રિક એટેન્ડસ સિસ્ટમ શરૂ કરવાનો સંકેત પણ આ તકે આપ્યો હતો. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ૩૦ હજાર કરોડ જેટલું બજેટ શિક્ષણ વિભાગ માટે ફાળવ્યું છે ત્યારે હવે એવું વાતાવરણ ઊભું કરવું છે કે ખાનગી શાળાઓ કરતાં પણ સરકારી શાળાઓ શ્રેષ્ઠ બને.

આ હેતુસર શિક્ષણના વ્યવસાયને નોબેલ પ્રોફેશન ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકને સંસ્કાર ઘડતર કરનારી ‘મા’ની ઉપમાથી નવાજ્યા હતા.  મુખ્યમંત્રીએ ગુજરાતમાં શિક્ષક દિવસની ગરિમાને વધુ ઊજાગર કરતાં ૧૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન અને પ્રત્યેક કલસ્ટર દિઠ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષકને સત્રના અંતે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી સન્માનિત કરવાની નવતર પહેલની સરાહના કરી હતી. વિજયભાઇ રૂપાણીએ શિક્ષણમાં આમૂલ પરિવર્તન સરકારે કર્યુ છે તેમાં શિક્ષકોના યોગદાનને પણ બિરદાવ્યું હતું.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, દેશના આદર્શ શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને ભારત સહિત વિશ્વના ૫૬ દેશો શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ ૨૭ વખત નૉબલ પ્રાઇઝ માટે નોમિનેટ કરાયું હતું. જે એક  શિક્ષક માટે ગૌરવશાળી બાબત ગણી શકાય. સમગ્ર દેશમાં મહાનુભાવોના જન્મદિવસ અને પૂણ્યતિથિ કોઇના કોઇ હેતુથી ઉજવાતી હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે 2જી ઓકટોબરે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઇ રહી છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનને વધુ બળ આપવા આપણે સંકલ્પબદ્ધ બનીએ.

તેમણે કહ્યું કે, શિક્ષકે શિસ્ત, પ્રામાણિકતા, સમયબદ્ધતા, નિયમિત હાજરી જેવા ગુણો આત્મસાત કરવા ખૂબ જ જરૂરી છે. આજે શિક્ષણમાં કોઇ વિશેષ જીઆર ન હોવા છતાં અનેક શિક્ષકો ખૂબ જ પ્રામાણિકતા અને સાતત્યપૂર્ણ રીતે નિયમિત રીતે અને નિયત સમય કરતાં વધુ કાર્ય કરે છે આ બદલ તેમને અભિનંદન આપુ છું. આપણે સૌએ નેશનલ કૅરેકટર તૈયાર કરવાના છે. ભવિષ્યના ઘડતરની જવાબદારી શિક્ષક પાસે છે. આપણા કેન્દ્રમાં હંમેશા બાળક હોવું જોઇએ, તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હસ્તે વર્ષ-૨૦૧૯ માટે રાજ્યના ૩૬ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક વિભાગના ૧૩ શિક્ષકો, માધ્યમિકના ૬, ઉચ્ચતર માધ્યમિકના-૨, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાં ૮, કેળવણી નિરીક્ષક અને એચ.ટાટને ૧-૧, સી.આર.સી.,બી.આર.સી., મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાં ૪ તેમજ ખાસ શિક્ષક કેટેગરીમાં ૨ શિક્ષકોનો સમાવેશ થાય છે.

રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હસ્તે ઓનલાઇન એડમિનિસ્ટ્રેટીવ વર્ક, વેબ સાઇટ આધારિત વીડિયો કૉન્ફરન્સ, ઓન લાઇન બાયૉમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ જેવા શિક્ષણ વિભાગ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.

સરકાર સાથે રહીને શિક્ષણના વિકાસ માટે પોતાના ફંડમાંથી કાર્ય કરવા ઇચ્છતી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે શિક્ષણ વિભાગે સમજુતી કરાર પણ કર્યા હતા.  જેમાં અમેરિકા સ્થિત ફેસબુકના હેડ કવાટર કેર્લિફોનિયાથી ફૅસબુક એજ્યુકેશન પાર્ટનરશિપના ગ્લોબલ ડિરેકટર ડૉ.એડમ સેલડોવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગત વર્ષે ધોરણ ૫ થી ૭ની સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન/પર્યાવરણ વિષયમાં ૭૫ ટકાથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાંથી ૩૦,૮૭૩ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે.

રાજ્યમાં બાયૉમેટ્રિક ઓનલાઇન અટેન્ડન્ટ્સ સિસ્ટમ અમલી બનાવવાના ભાગરૂપે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિક્ષકોને પ્રતિક રૂપે ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવે આભારવિધિ કરતાં કહ્યું હતું કે, શિક્ષણ વિભાગ રાજ્યની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન બાદ હવે ૧૦૦ ટકા હાજરી માટે કટિબદ્ધ છે. રાવે સૌ એવોર્ડ સન્માનિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.