અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે રિવરફ્રન્ટ પર કુંડ તૈયાર

અમદાવાદ- શહેર અને ગામડાંઓમાં ગણેશોત્સવ ઉજવવાના વધતા જતાં ઉત્સાહ બાદ મૂર્તિના વિસર્જન વેળાની વ્યવસ્થા તંત્ર માટે વધતી જાય છે. નદીઓ અને તળાવમાં પીઓપીની મૂર્તિઓ વિસર્જિત ના થાય તેમ જ અન્ય પૂજાપો લોકો પાણીમાં નાખવાનું બંધ કરે એવા પ્રયાસો સરકાર કરી રહી છે.

ઉત્સવોની ઉજવણી બાદ મૂર્તિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવે છે. ગણેશોત્સવમાં અનંત ચૌદસ પૂર્વે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર કુંડ બનાવવાની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. સરકારના વારંવાર ફરમાન બાદ આ વખતે પીઓપીની મૂર્તિઓને બનાવવાનું વેચાણ કરાવાનું પ્રમાણ થોડું ઘટ્યું છે, અને માટીના ગણપતિ લોકોએ લાવવાનું શરુ કરી દીધું છે.

આ સાથે લોકોએ વિશાળ મૂર્તિઓની સ્થાપના કરવાને બદલે નાની મૂર્તિઓ દ્વારા ગણેશોત્સવ મનાવ્યો છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધીમાં શ્રધ્ધાળુઓએ નક્કી કરેલા દિવસે મૂર્તિનું વિસર્જન કરવા સાબરમતી રિવરફ્રન્ટ પર વિશાળા ખાડો કરી નિષ્ણાત કારીગરો દ્વારા ઇંટો, તાડપત્રી અને લાકડાની રેલિંગ કરી કુંડ તૈયાર કરવામાં આવ્યાં છે.

આ કુંડમાં ગણેશ વિસર્જન કરવાથી નદીઓ અને તળાવમાં પીઓપી અને પૂજાપાની અન્ય સામગ્રીનો જમાવડો અટકશે..
તસવીર અને અહેવાલ-પ્રજ્ઞેશ વ્યાસ