અમદાવાદ- ગણેશોત્સવનો અમદાવાદમાં ધામધૂમથી પ્રારંભ થઈ ગયો છે અને ભક્તજનો હવે 10 દિવસ માટે પાર્વતીનંદન ગણપતિની આરાધનામાં લાગી ગયાં છે. ત્યારે ગુરુવારે દિવસભર અમદાવાદમાં મૂર્તિવેચાણ થતું હોય તેવા વિસ્તારોમાં, ભારે ભીડ ભગવાન ગણપતિની મૂર્તિ અને તેમના સાજશણગારની ખરીદી માટે ઉમટી પડી હતી.આ વર્ષે ઉલ્લેખનીય છે કે માટીના ગણેશની સ્થાપના માટે જનતાને જાગૃત કરવામાં આવી હોવાથી પીઓપીથી બનેલી મૂર્તિઓના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. મૂર્તિકારો દ્વારા આ વર્ષે જાયન્ટ કદની મૂર્તિઓ જૂજ જ બનાવવામાં આવી છે.
પ્રશાસન દ્વારા પણ પહેલેથી જાહેર કરી દેવામાં આવ્યું છે પીઓપી મૂ્તિઓને નદીમાં વિસર્જન કરવા દેવામાં આવશે નહીં. જેને લઈને પણ પીઓપી મૂર્તિ ખરીદવામાં લોકોમાં સંકોચ જોવા મળી રહ્યો હતો. જોકે મોટાભાગના ભક્તોએ નાની નાની મૂર્તિ પસંદ કરી ભવાપૂર્વક પોતાના ઘેર ગણેશજીને આમંત્રિત કરી દીધાં છે. તો શહેરના ગણપતિ મંદિરોમાં પણ ભગવાનને મોદક સહિતના અવનવા પ્રસાદ સહિત વિવિધ વ્યંજનો અને સાજશણગાર કરી ભાવપૂર્વક ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે.અવનવા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકો ઉત્સાહ પૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે.ગણેશચોથે વહેલી સવારથી જ મૂર્તિકારોના ત્યાંથી ગણેશજી પંડાલ અને ઘર સુધી ઉત્સાહ ઉમંગભેર પહોંચ્યાં હતાં. માર્ગો પર પેડલ રિક્ષા , ટેમ્પો, ટ્રેક્ટર, ટ્રક જેવા સાધનો માં લોકો રંગ ઉડાડતા-ઢોલ નગારા સાથે ગજાનને આવકારતા નજરે પડ્યાં હતાં.
તસવીર અહેવાલ તસવીર પ્રજ્ઞેશ વ્યાસ