ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી-ગાંધીનગરમાં ગણેશ ચતુર્થીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાએ ઇકો ફ્રેન્ડલી અને ખૂબ ઉત્સાહપૂર્વક ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થાના વિદ્યાર્થીઓ સમર્પણ ભાવ અને પર્યાવરણને ધ્યાનમાં રાખતા ઉત્સાહપૂર્વક ગણપતિની મૂર્તિ લાવ્યા હતા.
ગણેશોત્સવનો પ્રરંભ તાનારિરિની સાથે થયો હતો, જ્યાં ભગવાન શ્રીગણેશનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર ડો. સમીર સુદ અને જોઇન્ટ ડિરેક્ટર પ્રો. પ્રણવ વોરા હાજર રહ્યા હતા. ભગવાન ગણેશ મૂર્તિને મહારાષ્ટ્રિયન ઢોલ-નગારાં અને પરંપરાગત રીતે જ્યારે કેમ્પસમાં લાવવામાં આવી, ત્યારે ડિરેક્ટર અને વિદ્યાર્થીઓ સહિત હાજર રહેલા લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ ભર્યું વાતાવરણ હતું.ભાગવાન ગણેશની સ્તુતિ અને મંત્રથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
ત્યાર બાદ ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યા પછી આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભગવાનને પ્રિય મોદકનો પ્રસાદ કરવામાં આવ્યો હતો અને એને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ તેમ જ હાજર રહેલા સૌને વહેંચવામાં આવ્યો હતો. સંસ્થામાં ગણેશોત્સવ વખતે ખૂબ ઉલ્લાસનું વાતાવરણ હતું. આ સાથે ગણેશ મૂર્તિનું વિસર્જન આજે સાંજે કરવામાં આવ્યું હતું, ત્યારે બધા વિદ્યાર્થીઓ, ફેકલ્ટીના સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા.