અબોલ જીવોને સાચવતી ગાંધીનગરની અનોખી સંસ્થા ‘બાર્કવિલે ફાઉન્ડેશન’

ગાંધીનગર: આપણે જ્યાં રહેતાં હોઇએ ત્યાં આસપાસ ઘણાં લોકો એવા જોવા મળે છે જે  શોખ, ઉત્સાહ અને દેખાદેખીમાં અવનવી જાતનાં કૂતરાં અને જનાવર ખરીદી લાવે અને ઘરમાં પાળે. પરંતુ જ્યારે એ કૂતરાંની સારસંભાળ, માવજત અને સારવાર કરવાની થાય એટલે ઘણાંને આકરું લાગે. કેટલાક એવા કિસ્સા પણ સામે આવે છે જેમાં કૂતરાંના કારણે ઘરમાં મોટા ઝઘડા અને કંકાસ થઇ જાય છે. કેટલીક વાર પરિણામ મૂંગાં પ્રાણીને ભોગવવું પડે, કાં તો એ કૂતરાંને રખડતાં કરી દે અથવા પ્રાણીઓને સાચવતી સંસ્થાઓ શોધવા માંડે.

બીજી તરફ સમાજમાં એવા લોકો પણ છે જે મૂંગાં પશુઓને દરેક પરિસ્થિતિમાં રાખી જાણે છે. રખડતાં હોય કે પાળેલાં બીમાર, ઇજાગ્રસ્ત, કણસતાં પશુઓની સારવાર માટે ખડે પગે ઉભા રહી જાય. એમાનાં એક છે ગાંધીનગરના ડભોડા સ્થિત સંસ્થા બાર્કવિલે ફાઉન્ડેશનનાં સ્વાતિ વર્મા,  હિમાની મોડ અને રિધ્ધિ મોડ.

સ્વાતિ વર્મા મૂળ બિહારનાં છે, પણ ઉછેર દહેરાદુનમાં થયો. નાનપણથી જ શેરી કૂતરાં તથા અન્ય મૂંગાં જીવોની સેવા, સારવાર કરવાનો એમનો સ્વભાવ. લગ્ન બાદ અમેરિકા ગયાં ત્યાં પણ ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કામ કર્યું અને સેવા આપી. પતિને ભારતમાં નોકરી મળી એટલે ગાંધીનગર આવી ગયાં. ગાંધીનગરમાં પણ એમની જેમ જ મૂંગાં જીવ પ્રત્યે સેવાભાવ રાખતા હિમાની મોડ, રિધ્ધિ મોડની મુલાકાત થઈ અને એમની સાથે મળીને કામ શરૂ કર્યું. સ્વાતિ વર્મા અને હિમાની મોડ બંને સખીઓ છે. હિમાની અને રિધ્ધિ મોડ બહેનો છે. એમણે સાથે મળી રસ્તે રખડતાં કૂતરાં અને મૂંગાં જીવોને બચાવવાનું, એમને સારવાર આપવાનું શરૂ કર્યું.

પહેલા તબક્કામાં સ્વાતિ અને હિમાનીએ પોતાના ઘરમાં ઘાયલ જાનવરોને રાખ્યા અને સારવાર કરાવી. પશુઓ વધતાં જતાં ગાંધીનગરમાં જગ્યા રાખી. દિવસે-દિવસે કૂતરાં તથા અન્ય જાનવરો ઝડપથી વધતાં ગયા. સ્વાતિ , હિમાની, રિધ્ધિએ મનોમંથન બાદ ગાંધીનગરના ડભોડા પાસે બાર્કવિલે ફાઉન્ડેશનની સ્થાપના કરી અને ત્યાં મૂંગાં પશુઓની સેવા- સારવાર આગળ ધપાવી છે.

સ્વાતિ વર્મા ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘અમે શેરીમાં કૂતરાંઓ માટે કામ શરૂ કર્યું. એમને ઇજા થાય કે બીમાર પડે તો સારવાર કરી આપતાં. પરંતુ આપણી આસપાસના સમાજમાં કેટલાક પાળેલાં કૂતરાં અને જાનવર છે એમની સ્થિતિ વધુ ખરાબ જોવા મળી. નાનાં ગલૂડિયાં ગમી જાય એટલે લોકો ઘરે લાવે, પરંતુ પાછળની એમની જે માવજત કરવાની થાય ત્યારે ઘરના સદસ્યોમાં જ વિખવાદ અને મતમતાંતર ઉભા થાય. એનું પરિણામ બિચારાં જાનવરોને ભોગવું પડે છે. એકવાર પ્રાણીને પાળ્યા પછી એને રખડતાં મૂકી ન શકાય. આવી સ્થિતિમાં કેટલાય ઉચ્ચ અધિકારીઓ, માલેતુજાર માણસો પોતાના મોંઘાદાટ કૂતરાંને બીમારી, ઘડપણ કે અણગમાને કારણે ત્યજી દે છે. કેટલીક વાર કૂતરાંને કીડા પડી જાય છે. એવી સ્થિતિમાં એમની સારવાર કરી એને સાચવવાનું અમે શરૂ કર્યું. ડભોડાસ્થિત અમારી સંસ્થા શરૂ કર્યા પછી અમારી પાસે 60 જેટલા કૂતરાં છે. આ ઉપરાંત લગ્નોમાં જે ઘોડીઓ નચાવાય છે એના પગ રાંટા થઇ જાય, એ ઘરડી કે બીમાર થઇ જાય એટલે એમને રસ્તે રઝળતી મૂકી દેવાતી હોય છે. અત્યંત બીમાર હાલતમાં રોડ પરથી મળી આવેલી ઘોડીઓને અમે સારવાર કરી સાજી કરી છે. ગાયો અને બળદ જેવા બીમાર અને ત્યજેલાં જનાવરોને પણ સારવાર બાદ રાખ્યાં છે. અમદાવાદમાં જીવદયા જેવી સંસ્થાઓ ખૂબ જ સારું કામ કરે છે. અમે પણ બાર્કવિલે ફાઉન્ડેશન દ્વારા અમારાં સંપર્કમાં આવેલા, તરછોડાયેલા કૂતરાં તથા અન્ય મૂંગાં જીવોને બચાવવાના બનતાં પ્રયાસ કરીએ છીએ. સમાજને ખાલી એટલું કહેવાનું કે જનાવરને ખવડાવો નહીં તો કંઇ નહીં, પણ એને મારશો નહીં. એમનાં પ્રેમની જો અનુભૂતિ કરવી હોય તો બાર્કવિલેમાં આવી કરી શકો છો…!’

બાર્કવિલે સાથે સક્રિય રીતે જોડાયેલાં રિધ્ધિ મોડ કહે છે, ‘લોકો પ્રાણીઓની સેવા કરવાનું શરૂ કરે અને ઘરમાં પાળવાનું વિચારે એ પહેલાં સો વાર વિચાર કરી લેવો જોઇએ. કારણ કે એ પ્રાણીની સાથે સમય, સમસ્યાઓ અને ખર્ચ – આ ત્રણેય બાબતો આવે છે. ઉત્સાહ કે આવેગમાં આવ્યા વગર ઘરમાં પ્રાણીને લાવવું જોઇએ. કોઇપણ મૂંગાં જીવ પાછળ સમય આપવાની ક્ષમતા ન હોય તો બહારના કે કોઈ સેવાભાવી સંસ્થાઓનાં પ્રાણીઓને જ જમાડીને કે સારવાર આપીને સેવા બજાવી શકાય.

(પ્રજ્ઞેશ વ્યાસ)