ગાંધીનગર- રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મળેલી બેઠકમાં વર્ષ 2020થી ધો.10ની પરીક્ષામાં બે લેવલના પ્રશ્નપત્ર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા પણ CBSE(સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)પેટર્ન મુજબ ગણિતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્ર 2020થી ધોરણ-10ની પરીક્ષામા શિક્ષણ બોર્ડ ગણિતના બે લેવલના પેપર કાઢશે. જેમાં ધોરણ-10નું ગણિતના પેપરમાં સ્ટાન્ડર્ડ મેથેમેટીક્સ અને બેઝિક મેથેમેટીક્સ એમ બે લેવલના પેપર હશે.
ધોરણ 10 પછી ગણિત વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ ગણિત સ્ટાન્ડર્ડ લેવલ જ્યારે ધોરણ-10 પછી ગણિત નહીં રાખવા માગતા વિદ્યાર્થીઓ માટે ગણિત બેઝિક લેવલ પશ્નપત્ર તૈયાર કરવા પ્રસ્તાવ પસાર કરાયો છે.
આ નિર્ણયને પગલે ગણિત વિષયના બે અલગ અલગ પાઠ્ય પુસ્તકો પણ તૈયાર કરાશે. જેમાં સામાન્ય પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે અંક ગણિત આધારિત અને વિજ્ઞાન પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે બીજ ગણિતનું પાઠ્ય પુસ્તક તૈયાર કરાશે.
આ સિવાય ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા પણ તાલુકા કક્ષાએ યોજવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી આ પરીક્ષા જિલ્લા કક્ષાએ યોજાતી હતી. તો અન્ય એક નિર્ણય અંતર્ગત વિદ્યાર્થીઓ નામ, અટક, જન્મતારીખ વગેરે સુધારણા ધોરણ 12 સુધી જ કરી શકશે.
નવી જાહેરાત અંગે કહેવામાં આવ્યું કે બોર્ડે વિદ્યાર્થીઓમાં ગણિતનો ભય અને તણાવ દૂર કરવા બોર્ડે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બોર્ડના તમામ સભ્યોએ સહસહમતિથી સામાન્ય સભામાં પ્રસ્તાવ પાસ કર્યો હતો.