જિગ્નેશ મેવાણીના મુદ્દે એચ.કે. કોલેજના આચાર્ય-ઉપાચાર્યનું રાજીનામું

અમદાવાદ- અમદાવાદની પ્રતિષ્ઠિત એચ.કે. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે પોતાના પદ પરથી રાજીનામું આપતા ચકચાર મચી જવા પામ્યો છે. કારણ કે, કોલેજના વાર્ષિકોત્સવમાં પૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ઉપસ્થિત રહેવાની પરવાનગી ન અપાતા ટ્રસ્ટી મંડળ સામે નારાજ થઈને રાજીનામું સોપ્યું છે. આ ઘટનાના પગલે હેમંત શાહે રાજીનામું આપ્યું ત્યારબાદ તુરંત જ કોલેજના ઉપ-આચાર્યએ પણ રાજીનામું સોંપી દીધું હતું. ઉપ આચાર્ચ મોહન પરમારે પણ આ ઘટનાના વિરોધમાં પોતાના પદનો ત્યાગ કર્યો હતો.

અમદાવાદ શહેરની એચ.કે. આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ નિમીતે કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો વિરોધ કરતા કોલેજના ટ્રસ્ટે કાર્યક્રમ માટે હોલ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ ઘટનાના પગલે એચ.કે. આર્ટસ કોલેજના કાર્યકારી આચાર્ય હેમંત શાહે રાજીનામું આપી દીધું હતું. હેમંત શાહે સોમવારે રાજીનામું આપી અને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર હનન થતો હોવાનું જણાવી પોતાના પદનો ત્યાગ કર્યો હતો. હેમંત શાહ 102 દિવસ સુધી આ કોલેજના કાર્યકારી આચાર્ય રહ્યાં હતા. હેમંત શાહે રાજીનામું સોપતા એક અખબારી નિવેદનમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હેમંત કુમારની સાથે જ કોલેજના ઉપ આચાર્ય મોહન પરમારે પણ રાજીનામું ધરી દેતા અમદાવાદના સહીત રાજ્યના શિક્ષણ જગતમા ચકચાર મચી જવા પામ્યો હતો.

હેમંત શાહના રાજીનામાના પત્ર

હાલનો રાજકીય માહોલ ભારતના બંધારણમાં વિચાર, વાણી, અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના જે અધિકારો સ્વીકારવામાં લખવામાં આવ્યા છે, તેનું ગળું દબાવી દેવાના જેવો છે….

જીગ્નેશ મેવાણી આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે. તેમને બોલાવીને મેં કોઈ ભૂલ કરી હોય હું તેવું નથી માનતો. ભૂતકાળમાં આ કોલેજમાં અનેક રાજકીય વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે. ટ્રસ્ટીઓના આ નિર્ણયથી કોલેજના ‘માન સન્માન’ તો નથી જ જળવાતા અને તળિયે બેસી જાય છે, ઉપરાંત સમાજમાં સંસ્થાના ગૌરવને તથા ટ્રસ્ટીઓની પ્રતિષ્ઠાને પણ બહુ મોટો બટ્ટો લાગ્યો છે….

જ્યારે કોલેજનું આચાર્ય પદ મેં ટ્રસ્ટીઓના આગ્રહથી સ્વીકાર્યુ ત્યારે મારી એવી ધારણા હતી કે સમાજમાં આટલા પ્રતિષ્ઠિત એવા ટ્રસ્ટીઓ મને ભય વિના કામ કરવામાં જરૂર મદદરૂપ થશે પણ મારી આ આશા ઠગારી નીવડી છે.