સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના પાટડી ગામમાં PIના ભાઈના ઘરમાં જુગારધામ ધમધમતુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, આ મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના રાત્રે 12 વાગ્યાની આસપાસ બાતમી મળેલા ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 30 લોકો રંગેહાથ જુગાર રમતા ઝડપાયા હતાં. દરોડા દરમિયાન જાણ થઈ કે, ACB (Anti Corruption Bureau)ના PIના ભાઈ કિરણ ઠાકોરના ઘરે જ આ જુગારધામ ધમધમી રહ્યું હતું. સમગ્ર દરોડા દરમિયાન પોલીસે મોબાઈલ, બાઈક અને રોકડ સહિત અંદાજે 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા બાદ પોલીસે તમામ આરોપી સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય તપાસ કરવામાં આવી રહી છે કે, પાટડીમાં આટલુ મોટું જુગારધામ કોની દયા દ્રષ્ટિથી ચાલતું હતું? પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
