અમદાવાદ– અમદાવાદ ડાકોર વચ્ચે 80 કિલોમીટરનો ફોરલેન રસ્તો ભક્તિપથ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે. તેમજ પદયાત્રીઓ માટેની સુવિધા માટે જ્યાં માર્ગ ચાલવા માટે યોગ્ય ન હોય ત્યાં સમારકામ કરાવવા, ભંડારાના સેવા કેન્દ્રો માટે વીજળી મળી રહે અને મહુધાથી ડાકોર સુધીના વિસ્તારોમાં વધુ ભંડારા બને તે માટેના પ્રયત્નો કરાશે.
પૂર્વ સંસદસભ્ય અને સમિતીના પ્રમુખ હરિનભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને રવિવારે કનીજ પાટિયા પાસેના રણછોડજી મંદિરમાં બેઠક મળી હતી. તેમાં કેમ્પના સભ્યોને પડતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત રજૂઆતો થઈ હતી. ભંડારામાં પાણી તેમજ અન્ય વ્યવસ્થા મળી રહે તે માટે દર 15 કિલોમીટરના અંતરે કુલ 4 ઝોન પાડી દેવામાં આવ્યા છે. જેથી નજીકના સેન્ટરોથી પીવાનું પાણી ટેન્કર, સફાઈના માણસો અને મેડિકલ સહાયની વસ્તુઓ ઝડપથી મળી રહે.
અમદાવાદથી ડાકોર 22 ફેબ્રુઆરીથી ભાવિક ભક્તો પગપાળા ચાલવાનું શરૂ કરશે. આ વર્ષે વિક્રમ સંવત 2074માં ફાગણ સુદ પૂનમ પહેલી માર્ચના રોજ છે. ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતી અમદાવાદના અધ્યક્ષ હરિન પાઠકે કહ્યું હતું કે દર વર્ષે ફાગણની પૂર્ણિમાએ અમદાવાદ અને જિલ્લામાંથી 3 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડરાજીના દર્શન કરવા જાય છે. જ્યારે 500થી વધુ નાના મોટા પદયાત્રા સંઘો પણ મોટી સંખ્યામાં ધજા સાથે પહોંચે છે.