અમદાવાદઃ પાસ કન્વિનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ચોથો દિવસ છે. ત્યારે હાર્દિકના ઉપવાસના ચોથા દિવસે આજે એનસીપીના નેતા પ્રફુલ પટેલ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. આજે હાર્દિક પટેલની મેડિકલ તપાસ કરવામાં આવી હતી જેમાં તેનું બ્લડપ્રેશર અને શુગર લેવલ સામાન્ય રહ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે હાર્દિક પટેલના ઉપવાસ મામલે કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી તેમજ આ અંગે માનવાધિકાર પંચને પણ રજુઆત કરવામાં આવી છે અને બાદમાં આ તમામ ધારાસભ્યો હાર્દિક પટેલને મળ્યા હતા.
ઉપવાસના ત્રીજા દિવસે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે “અસંખ્ય પોલીસ મારા નિવાસસ્થાનની બહાર છે. મારું ઘર જેલથી કમ નથી. અલગ અલગ વિસ્તારોમાં લોકોની ધરપકડ કરાઇ છે. ધારાસભ્યોને પણ ડ્રાઇવર સાથે આવવા નથી. લોકોને રોકવા ભાજપ સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. રાખડી બાંધવા માટે પણ બહેનોને આવવા દીધી નથી. પોલીસે નક્કી કર્યું છે કે, હાર્દિકના ઘરે કોઇને જવા દેવાના નથી. કોઇના કહેવાથી આંદોલન અટકતું નથી.”
હાર્દિક પટેલે જણાવ્યું કે “યુવાનો સંતાઇને આવે છે. કપાસમાં ઇયળ, મગફળીમાં મુંડા અને ગાંધીનગરમાં ગુંડા આવી ગયા છે. અમારી લડાઇ સત્યના માર્ગે છે. અલ્પેશ કથીરિયાની બહેન તેને રાખડી બાંધવા જતી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને રોકી હતી. કોઇ સમાજ આપનો વિરોધ નથી કરતા. મારા ઘરની બહાર જે પોલીસ લગાડી છે તે ગુજરાતમાં લગાડે તો ક્યાંય દારુનું એક ટીપું ન મળે. ગામડે ગામડે પોતપોતાની રીતે ઉપવાસ પર બેસો એવું હાર્દિકે આહવાન કર્યું હતું.” સાથે સાથે હાર્દિકે ભાજપના લોકોને પણ જોડાવવા માટે અપીલ કરી હતી.