સુરતમાં મોબાઈલની જાહેરાત માટે વન વિભાગના નિયમોને મુક્યા નેવે

સુરતના વરાછા વિસ્તારમાં હેવમોર મોબાઈલની દુકાનના માલિકે મોબાઈલ ફોનની મજબૂતાઈ દર્શાવવા માટે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ વીડિયોમાં એક યુવક હાથીના પગ નીચે મોબાઈલ મૂકીને તેની ટકાઉપણાની જાહેરાત કરતો જોવા મળે છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વનવિભાગે ગંભીર નોંધ લીધી અને દુકાનદારને નોટિસ ફટકારી. આ નોટિસ લગભગ ચાર દિવસ પહેલાં મોકલવામાં આવી હતી, પરંતુ દુકાનદારે હજુ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી.
વનવિભાગના નિયમો અનુસાર, કોઈપણ વન્યજીવનો ઉપયોગ જાહેરાત કે વ્યાપારિક હેતુ માટે કરવો ગેરકાયદેસર છે. આ ઘટનામાં હાથીનો ઉપયોગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પણ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઘટનાએ વન્યજીવોના દુરુપયોગ અને કાયદાના અમલીકરણ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.