સોમનાથઃ ભક્તોને અતિપ્રિય એવો શ્રાવણ માસ અને તેમાં આવતો પ્રથમ સોમવાર હોય એટલે તમામ શિવમંદિરોમાં ભક્તોનો સાગર સાગર છલકાતો જોવા મળે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોના ઘોડાપૂર ઉમટ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરના સવારે 4-00 વાગ્યે દ્વાર ખુલતાની સાથે જ પદયાત્રીઓ ભક્તોએ લાઇન બધ્ધ સુનિયોજીત વ્યવસ્થા પ્રમાણે ભક્તોએ દર્શન કર્યા હતાં.શ્રાવણ માસમાં પાર્થિવલિંગ પૂજનનો પણ ખૂબ મહિમા છે ત્યારે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પાર્થિવલિંગ પૂજન પણ કર્યું હતું. લાઇનો મંદિર બહાર પણ સુંદર રીતે પોલીસ પ્રસાશન અને સોમનાથ સીક્યોરીટી દ્વારા ગોઠવવામાં આવી હતી. ભગવાન મહાદેવની પ્રાતઃઆરતી મહાપુજનનો દુર-દુરથી આવતા ભક્તોએ લ્હાવો લીધો હતો. સવારે 9-00 વાગ્યે મંદિર પરિસરમાં શ્રાવણી સોમવારે પારંપરિક પાલખી યાત્રા પણ યોજાઈ હતી.
જામનગરના વિક્રમસિંહ જાડેજા પરિવાર દ્વારા શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન મહાદેવને પાઘ ચડાવવામાં આવી હતી. મંદિરનું નિર્માણ જેમના કરકમલોથી થયુ તેવા જામ સાહેબ દિગ્વિજયસિંહના સમયકાળમાં મંદિરના વાઘા અને પાઘ તૈયાર કરવામાં આવતી હતી. પારંપરીક કારીગર પરિવાર જામનગરના ગોપાલભાઇ શાંતીભાઇ પીઠડીયા દ્વારા 1 માસની મહેનત બાદ આ પાઘ તૈયાર કરવામાં આવી છે.