સુરત: સુરતના હજીરા સ્થિતિ ખાનગી કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે અકસ્માત નડતા એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે 15થી વધુ કામદારો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 50 જેટલા કામદારોને લઈને બસ હજીરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતા બસ અને ડમ્પર પલટી ગયાં હતાં. અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.ઇજાગ્રસ્તોને 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળે પહોંચી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે ડમ્પર અને એક ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને બસ એકબીજા સાથે અથડાતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ બસમાં સવાર 50 માંથી 25 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. સ્થાનિકોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે લોકોને દૂર કરી ટ્રાફિક ખુલ્લું કરાયું હતું. મૃતદેહને પીએમ અર્થે મોકલીનેપોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
