અમદાવાદઃ શહેરમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ડોલર છાપવાની ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા. એ પહેલાં જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રેકેટનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ આરોપીઓમાં ઓસ્ટ્રેલિયન સિટીઝન મૌલિક પટેલ ઉપરાંત ધ્રુવ દેસાઈ, ખુશ પટેલ અને રોનક રાઠોડ નામના અન્ય ત્રણ આરોપીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધી નકલી ઈન્ડિયન કરન્સી છાપવામાં આવી હોય તેવી ઘણી ઘટના સામે આવી છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હોવાની આ પહેલી ઘટના છે. આ કૌભાંડ અંગે પોલીસને સૌ પહેલા રોનક રાઠોડ નામના આરોપી અંગે બાતમી મળી હતી, જે 50 ડોલરની 119 નકલી નોટો વટાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો.
ત્યાર બાદ રોનકે એના સાથીદાર ખુશ પટેલે ધ્રુવ અને મૌલિકનાં નામ આપ્યાં હતાં, જે વટવામાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં નોટો છાપવાનું કામ કરતા હતા. પોલીસે આ પ્રિન્ટિંગ પ્રેસ પર દરોડા પાડતાં બંને જણ ઝડપાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ કાંડનો માસ્ટરમાઇન્ડ મૌલિક પટેલ 2012માં ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો, જ્યાં તેણે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ તેમાં મોટું નુક્સાન થતાં તેને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં MBA કરનારા મૌલિકે સૌ પહેલાં ધ્રુવ દેસાઈનો સંપર્ક કર્યો હતો, જેના પિતા પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા.