કાઠમાંડુઃ વિશ્વભરમાં પ્રખ્યાત ભારતની બાઇકિંગ ક્વિન્સ ભારે વરસાદ વચ્ચે 6 જૂનના રોજ મોડી સાંજે નેપાળના કાઠમંડુ પહોંચી હતી. આજે સવારે રિપોર્ટર્સ ક્લબ નેપાળ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં નેપાળના યુવા અને રમત-ગમત પ્રધાન જગત બહાદુર વિશ્વકર્માએ બાઇકિંગ ક્વિન્સનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરતની બાઇકિંગ ક્વિન્સ આગામી ત્રણ મહિના દરમિયાન એશિયા, યુરોપ અને આફ્રિકા એમ ત્રણ ખંડોના 25થી વધુ દેશોની ઐતિહાસિક સફળ કરીને ભારતથી લંડન પહોંચશે. આ ઐતિહાસિક બાઇકિંગ અભિયાનને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લીલી ઝંડી આપી હતી. તેમના પ્રવાસના ત્રીજા દિવસે બાઇકિંગ ક્વિન્સ નેપાળના કાઠમંડુ પહોંચી હતી તથા સવારે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેપાળ ખાતેના ભારતીય રાજદૂત મંજીવ સિંઘ પુરી તથા અન્ય અધિકારીઓની મુલાકાત લીધી હતી. ભારતના રાજદૂત સાથે તેમણે મહિલા સશક્તિકરણ તથા નારી ગૌરવ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં તેમજ પ્રવાસની માહિતી આપી હતી. ત્યારબાદ રાજદૂતે બાઇકિંગ ક્વિન્સને લીલી ઝંડી આપીને પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટર્સ ક્લબ નેપાળ ખાતેના કાર્યક્રમમાં નેપાળના યુવા અને રમત-ગમત પ્રધાન જગત બહાદુર વિશ્વકર્માએ બાઇકિંગ ક્વિન્સનું સ્વાગત કર્યું હતું. ડો. મહેતા અને અન્ય બે રાઇડર્સ – જિનલ અને રુતાલીએ કાઠમંડુમાં ખાસ કરીને કન્યાઓને મળીને તેમને પોતાના સપનો સાકાર કરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. બાઇકિંગ ક્વિન્સ આકાશ ચૌહાણ, પુષ્પા ભોસલે રિશિ ધામલા, નેપાળના જાણીતા સામાજિક કાર્યકર્તા ગંગા થાપલિયા સહિતના મહાનુભાવોને મળ્યાં હતાં. શાળા અને કોલેજની કન્યાઓને સંબોધન કરતાં ડો. સારિકા મહેતાએ જણાવ્યું હતું કે, મહિલાઓ અસુરક્ષિત છે અને પોતાના સપનાઓને સાકાર કરી શકે નહીં તેવી ગેરમાન્યતાઓને દૂર કરવા માટે અમે બાઇકિંગ અભિયાન શરૂ કર્યું છે. આપણે આ માન્યતાઓને દૂર કરીને વિશ્વ સમક્ષ પોતાની ક્ષમતાઓને દર્શાવવાની રહેશે.
આ અભિયાન સાથે બાઇકિંગ ક્વિન્સનો ઉદ્દેશ્ય નારી ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. પોતાના અગાઉના અભિયાનમાં ડો. સારિકા મહેતાએ બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશા સાથે એશિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની મદદથી યુરોપ, આફ્રિકા અને રશિયાની પણ મુલાકાત લીધી છે. તેમની સાથે બે રાઇડર્સ જિનલ શાહ ગૃહિણી અને રુતાલી પટેલ વિદ્યાર્થીની છે તેમજ આ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય રાઇડ છે.
મહત્વપૂર્ણ છે કે બાઇકિંગ ક્વિન્સ ભારતમાંથી નેપાળ, ભુટાન, મ્યાનમાર, લાઓસ, ચાઇના, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, રશિયા, લેટિવિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિટઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન અને મોરક્કો થઇને યુનાઇટેડ કિંગ્ડમ સુધીનો લાંબો અને પડકારજનક પ્રવાસ ખેડશે. અગાઉ કોઇપણ ભારતીય વ્યક્તિએ આ માર્ગે લાંબો પ્રવાસ ખેડ્યો નથી.
આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મિડિયા પાર્ટ્નર તરીકે જોડાયું છે એટલે આ અનોખી સફરના પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતિ પ્રિન્ટ તેમજ ડિજિટલ ‘ચિત્રલેખા’માં આપતું રહેશે..