આવ રે વરસાદઃ ગુજરાતમાં 13 જૂન પછી વરસાદની હવામાનવિભાગની આગાહી

0
5740

અમદાવાદ– ભારતના કેરળમાં એક સપ્તાહ મોડો,પણ વરસાદ શરૂ થયો છે, જે આનંદના સમાચાર છે. આજે શનિવારે સવારે કેરળના દરિયાકિનારે ચોમાસું આવી પહોંચ્યું છે. હવે તે ચોમાસું ગુજરાતમાં કયારે આવશે, તે પ્રશ્ન થાય. ગુજરાતમાં હાલ ભારે ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13થી 15 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ દસ્તક દેશે. ગઈકાલથી પ્રિમોનસૂન એક્વિટીનો પ્રારંભ થયો છે. ગઈકાલે સવારે નવસારી અને વલસાડમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના છાંટા પડ્યાં હતાં.કાળઝાળ ગરમી પછી હવે સોમવારથી ગુજરાતમાં તાપમાનના પ્રમાણમાં ક્રમશઃ ઘટાડો થશે, અને સાંજ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરશે. હવામાન વિભાગે કેરળમાં 9 જૂનથી 11 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેરળના કેટલાય વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે. જેથી કેરળના લોકો સાવધ રહી શકે.

છેલ્લાં બેત્રણ વર્ષ કરતાં આ વરસે ગુજરાત સહિત દેશમાં ગરમી વધુ પડી છે, જેથી સમગ્ર દેશમાં પાણીની તંગી વરતાઈ હતી. ગરમીને કારણે કેટલાય લોકો પશુપક્ષીઓ અને માનવીના મોત થયાં હતાં. હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 13 જૂનથી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનો ધીમો પ્રારંભ થશે. તે પહેલાં મુંબઈમાં વરસાદ આવશે. હવામાન વિભાગે ચોમાસા અંગેની આગાહીમાં બે વખત ફેરફાર કર્યો છે, અને છેલ્લે એમ કહ્યું છે કે દેશમાં 99 ટકા ચોમાસું છે, અને સામાન્ય વરસાદ થશે. જેથી દેશવાસીઓ ખુશ થઈ ગયાં છે. ગુજરાતમાં ગરમી વધારે પડી છે, ગંગા જમનાના મેદાનો તપ્યાં છે, જેથી આ વર્ષે વરસાદ પણ સારો આવશે તેમ હવામાન શાસ્ત્રીઓ કહી રહ્યાં છે. ભડલીથી આગાહી કરનારા પણ ગુજરાતમાં વરસાદ સારો આવશે, તેમ કહી રહ્યાં છે અને 25 જૂન પહેલાં ગુજરાતમાં વરસાદ આવશે તેવું અનુમાન વ્યક્ત કરી રહ્યાં છે.