દૂધનું ફોર્ટિફિકેશનઃ વિટામીન A અને Dની સમસ્યા નિવારી શકે છે….

આણંદઃ આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) ખાતે ‘સસ્ટેનિંગ એફર્ટ્સ ઑફ મિલ્ક ફોર્ટિફિકેશન ઇન ઇન્ડિયા’ પર એક કાર્યશાળા યોજાઈ ગઈ. દૂધના ફોર્ટિફિકેશન માટેના આ વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન કરતી વખતે એનડીડીબીના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું કે, ‘ભારતમાં વિટામિન ‘એ’ અને ‘ડી’ની ઉણપનો વ્યાપ ઘણો મોટો છે. સૂક્ષ્મપોષકતત્વોની ઉણપને દૂર કરવા આહારમાં વિટામિન ‘એ’ અને ‘ડી’ને ઉમેરવા એ એક વ્યવહારુ વ્યૂહરચના જણાઈ રહી છે.’

ધી ઇન્ડિયા ન્યૂટ્રિશન ઇનિશિયેટિવ (ટીઆઇએનઆઈ)ના નિદેશક  રાજન શંકર; વર્લ્ડ બેંકના વરિષ્ઠ કૃષિ અર્થશાસ્ત્રી ડૉ. એડવર્ડ ડબ્લ્યુ. બ્રેસ્નિયન; તાતા ટ્રસ્ટના ન્યૂટ્રિશન લીડ મધુસુદન રાવ; તાતા ટ્રસ્ટના વરિષ્ઠ સલાહકાર વિવેક અરોરા; એફએસએસએઆઈની સાયેન્ટિફિક પેનલના સભ્ય આર. કે. મારવાહ, નેશનલ કાઉન્સિલ ફૉર ઇન્ડિયાઝ ન્યૂટ્રિશનલ ચેલેન્જિસ, પોષણ અભિયાનના સભ્ય ડૉ. સી. એસ. પાંડવે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

રથે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘સૂક્ષ્મપોષકતત્વોની ઉણપનો વ્યાપ ખૂબ મોટો છે અને હાલમાં સમગ્ર વિશ્વના અંદાજે 2 અબજ લોકો તેનાથી પ્રભાવિત છે – જે વૈશ્વિક સ્વાસ્થ્ય ભારણમાં 10%ના વધારા માટે જવાબદાર છે. ભારતમાં વ્યાપ્ત પરિદ્રશની વાત કરીએ તો, ભારતમાં સૂક્ષ્મપોષકતત્વોની ઉણપ એક પ્રકારની અદ્રશ્ય કટોકટી છે. ડબ્લ્યુએચઓ અને યુનિસેફના વર્ષ 2009ના રીપોર્ટ મુજબ, ભારત વિશ્વમાં બાળમંદિરમાં ભણતા હોય અને વિટામિન ‘એ’ની ઉણપ ધરાવતા હોય તેવા બાળકોની કુલ સંખ્યાના ત્રીજા ભાગના બાળકો અને આયોડિનની ઉણપ પ્રત્યે અતિસંવેદનશીલ એવા 1.30 કરોડ બાળકોનું ભારણ ધરાવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે-4ના ડેટા મુજબ, ભારતમાં 5 વર્ષથી નીચેની વયના કુલ બાળકોમાંથી 38.4% બાળકો નાના કદના, 21% બાળકો ક્ષીણ/નબળા અને 35.7% બાળકો નિર્ધારિત કરતાં ઓછું વજન ધરાવે છે. આયર્ન, ફોલિક એસિડ, વિટામિન બી-12, ઝિંક અને વિટામિન ‘ડી’ જેવા સૂક્ષ્મપોષકતત્વોની ઉણપનો વ્યાપ ખૂબ મોટો છે અને તે રાષ્ટ્રના જાહેર સ્વાસ્થ્ય અને આર્થિક ઉત્પાદક્તા પર ઘણો ગંભીર પ્રભાવ પાડે છે. આ પડકારો સામે લડત આપવાનો સૌથી પ્રભાવશાળી ઉપાય ફૂડ ફોર્ટિફિકેશન (આહારમાં સૂક્ષ્મપોષકતત્વો બહારથી ઉમેરવા)નો છે.’

એનડીડીબીના ચેરમેનએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં દૂધનું ઉત્પાદન મોટા પાયે થાય છે, તેના વિતરણનું નેટવર્ક ઘણું વ્યાપક છે, તે પરવડે તેવું છે અને દૈનિક આહારમાં તે સાર્વત્રિક રીતે સ્વીકૃત હોવાથી ફોર્ટિફિકેશન માટે તે એક ઉત્તમ વાહક છે. આપણે વિશ્વમાં સૌથી વધુ માત્રામાં દૂધઉત્પાદન કરીએ છીએ અને આપણી માથાદીઠ દૂધ ઉપલબ્ધતા હવે વધીને પ્રતિ દિન 375 ગ્રામ થઈ ગઈ છે. આમ દૂધનું ફોર્ટિફિકેશન ખૂબ જ પરવડે તેવો અને ખર્ચ અસરકારક ઉપાય છે, કારણ કે, તેમાં પ્રતિ લીટર ફક્ત 2થી 3 પૈસા જેટલો જ ખર્ચ થાય છે.’

ડૉ. બ્રેસ્નિયને જણાવ્યું હતું કે, ‘દક્ષિણ એશિયાએ ઊંચો આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં અહીં લાંબા સમયથી પ્રવર્તમાન કુપોષણની હઠિલી સમસ્યા ઉકેલાઈ શકી નથી. સાઉથ એશિયા ફૂડ એન્ડ ન્યૂટ્રિશન સિક્યુરિટી ઇનિશિયેટિવ (એસએએફ એએનએસઆઈ) ક્રોસકટિંગના પગલાંઓ અપનાવીને દક્ષિણ એશિયાની આ વિકટ સમસ્યાને ઉકેલવા માંગે છે, જે આહાર અને પોષણ સુરક્ષામાં નોંધપાત્ર સુધારા તરફ દોરી જશે.’ દૂધની માત્રા નહીં તેની ગુણવત્તા લોકોને લાંબાગાળે તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થાય છે એ ધારણાનું તેમણે પૂરજોર સમર્થન કર્યું હતું. તેમણે નેશનલ ડેરી પ્લાનનું અમલીકરણ કરવામાં એનડીડીબીના પ્રયાસોને પણ બિરદાવ્યાં હતાં.

ધી મિલ્ક ફોર્ટિફેકેશન પ્રોજેક્ટ એ વર્લ્ડ બેંક, તાતા ટ્રસ્ટ્સ અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની સંયુક્ત પહેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 3 કરોડ ગ્રાહકો સુધી પહોંચનારા અંદાજે 2 મિલિયન મેટ્રિક ટન ફોર્ટિફાઇડ પ્રવાહી દૂધ પર પ્રક્રિયા હાથ ધરવાનો છે. આ પ્રોજેક્ટની સમયમર્યાદા 23 મહિનાની છે. આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા માટે એનડીડીબી વર્લ્ડ બેંકને કન્સલ્ટન્સી સર્વિસ પૂરી પાડે છે. વળી, બૉર્ડ દૂધના ફોર્ટિફિકેશન અને પરીક્ષણ માટે એસઓપીનો વિકાસ સાધવા, દૂધના ફોર્ટિફિકેશન માટે ગુણવત્તાની ખાતરી અને ગુણવત્તાને નિયંત્રિત કરવા, ફોર્ટિફિકેશનનાં પરીક્ષણ/તાલીમ/ક્ષમતાનિર્માણ હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપનારી સામગ્રી તૈયાર કરવા સહિત આ પ્રોજેક્ટના અમલીકરણ માટે મિલ્ક ફેડરેશન્સ/ઉત્પાદક કંપનીઓ/યુનિયનોને ટેકનિકલ અને આર્થિક સહાય પણ પૂરી પાડે છે.

છેલ્લાં બે વર્ષમાં આ પ્રોજેક્ટ ભારતના 20 રાજ્યોમાં 25 મિલ્ક ફેડરેશન/ઉત્પાદક કંપનીઓ/યુનિયનો સુધી વિસ્તરી ચૂક્યો છે, જેના મારફતે પ્રતિ દિન 55 લાખ લીટર દૂધ ફોર્ટિફાઈ થાય (સૂક્ષ્મપોષકતત્વો ઉમેરાય) છે. આ પ્રોજેક્ટના અમલીકરણ, આંતરિક નિરીક્ષણ અને એનડીડીબીને નિયમિત રીપોર્ટ સોંપવા માટે મિલ્ક ફેડરેશન/ઉત્પાદક કંપનીઓ/યુનિયનો જવાબદાર છે. ફોર્ટિફિકેશન એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવેલ સંચાલનની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા અને એફએસએસએઆઈ દ્વારા પૂરાં પાડવામાં આવેલા માપદંડો મુજબ હાથ ધરવામાં આવશે. પ્રોજેક્ટના 25 પ્રસ્તાવો મંજૂર થવાની સાથે જ આ પ્રકારનું ફોર્ટિફિકેશન 15 મિલ્ક ફેડરેશન્સ/ઉત્પાદક કંપનીઓ/યુનિયનોમાં શરૂ થઈ ચૂક્યું છે. 10 મિલ્ક ફેડરેશન્સ/ઉત્પાદક કંપનીઓ/યુનિયનોમાં પરીક્ષણ/તાલીમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ અહીં ફોર્ટિફિકેશનની શરૂઆત થઈ જશે. અત્યાર સુધીમાં અંદાજે એક મિલિયન મેટ્રિક ટન દૂધને ફોર્ટિફાઈ કરવામાં આવ્યું છે.

આ કાર્યશાળામાં હાજર રહેલા પ્રતિનિધિઓને વિવિધ કોમોડિટીઝમાં ફોર્ટિફિકેશન કરવા અંગેના અનુભવોનું આદાનપ્રદાન કરવા એક મંચ પૂરું પાડ્યું હતું. આજની કાર્યશાળાનો નિષ્કર્ષ આપણી દૂધ મંડળીઓના પ્રયાસોને જાળવી રાખવામાં તથા લાભદાયી પરિણામો હાંસલ કરવા દૂધના ફોર્ટિફિકેશનના અમલીકરણને વધુ આગળ કેવી રીતે વધારવું તે અંગે નિર્ણય લેવામાં મદદરૂપ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]