વડોદરા: રાજ્યમાં મેઘતાંડવ બાદ રોગાચાળાએ પગ પેસારો કર્યો છે. શહેર સહિત જિલ્લામાં પુર બાદ રોગચાળો વકર્યો છે. શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં વરસાદમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ, શરદી, ઉધરસના કેસો સતત વધી રહ્યા છે અને દર્દીઓની લાંબી લાઈનો હોસ્પિટલમાં લાગી છે.
મળતી માહિતી અનુસાર હાલ વડોદરા શહેરમાં વાયરલ ફીવરના દૈનિક 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જો કે હાલ સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર આંકડાની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે જિલ્લામાં ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને મિક્સ પાણી આવવાના કારણે ચામડીના રોગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેની વચ્ચે આઈ.એમ.એ દ્વારા પણ રોગચાળો કહેર મચાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારે બીજી બાજું અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરમાં મેલેરિયાના 212 કેસ, ઝાડા ઉલ્ટીના 751 કેસ નોંધાયા છે. જ્યારે કમળાના 538 કેસ, ટાઈફોઈડના 788 કેસ શહેરમાં નોંધાયા છે. ત્યારે કોલેરાના પણ 23 કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને વરસાદી માહોલમાં મચ્છરોની ઉત્પત્તિ વધવાના કારણે મચ્છરજન્ય રોગના કેસોમાં પણ વધારો થયો છે, જેને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજની 1400થી વધુ ઓપીડી કેસ નોંધાયા હતા.